ફાર્મસી શિક્ષણ ક્ષેત્રે પાટણ આવનારા સમયમાં ઉત્તર ગુજરાતનું હબ બનશે – ડો. જય ધ્રુવ

પાટણ: નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવીન ગીતાબેન વિનોદભાઈ ઝવેરી કોલેજ ઓફ ફાર્મસી ખાતે બી.ફાર્મ.ના પ્રથમ બેચ માટે ઓરિયેન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે 67 વર્ષથી પોતાની આગવી ઓળખ ધરાવતી નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા આ શૈક્ષણિક વર્ષથી ફાર્મસી ક્ષેત્રે નવી કોલેજની શરૂઆત કરવામાં આવી છે.
ઓરિયેન્ટેશન કાર્યક્રમમાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ તથા વાલીઓને ફાર્મસી શિક્ષણ, અભ્યાસક્રમ, પ્રેક્ટિકલ તાલીમ, લેબોરેટરી આધારિત અભ્યાસ, ફાર્મસી ક્ષેત્રની વિવિધ કારકિર્દીની તકો તેમજ ભવિષ્યમાં ફાર્મસી ક્ષેત્રમાં ઊભી થનારી નવી સંભાવનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને ફાર્માસિસ્ટ તરીકેની જવાબદારી, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ તથા સંશોધન ક્ષેત્રમાં રહેલી તકો અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કેમ્પસ સંચાલક ડો. જય ધ્રુવએ જણાવ્યું હતું કે, “ફાર્મસી શિક્ષણ ક્ષેત્રે પાટણ આવનારા સમયમાં ઉત્તર ગુજરાતનું એક મહત્વપૂર્ણ હબ બનશે. NGES દ્વારા વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ, પ્રેક્ટિકલ તાલીમ અને જરૂરી શૈક્ષણિક માળખું ઉપલબ્ધ કરાવવાના હેતુથી અદ્યતન સુવિધાઓ સાથે ફાર્મસી કોલેજનું નિર્માણ કરવામાં આવ્યું છે. ફાર્મસી માત્ર એક ડિગ્રી નથી, પરંતુ આરોગ્ય ક્ષેત્ર સાથે સીધી રીતે જોડાયેલું મહત્વપૂર્ણ વ્યવસાયિક ક્ષેત્ર છે. વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ સાથે નવીનતા, સંશોધન અને ઉદ્યોગલક્ષી કૌશલ્યો મળે તે દિશામાં સંસ્થા સતત કાર્ય કરશે.”
પાટણ ખાતે કોલેજ માટે અદ્યતન બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને પ્રેક્ટિકલ વિકાસને ધ્યાનમાં રાખીને વિવિધ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
કોલેજના પ્રિન્સિપાલ ડો. પરેશભાઈ પટેલ તથા સમગ્ર સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ફાર્મસી ક્ષેત્રમાં આગળ વધવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
નવી કોલેજમાં પ્રથમ બેચની શરૂઆત સાથે વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ઓરિયેન્ટેશન કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને ફાર્મસીના અભ્યાસ, વ્યવસાયિક તકો, કૌશલ્ય વિકાસ અને ઉજ્જવળ કારકિર્દી માટેની નવી દિશાનો પરિચય મળ્યો હતો. NGES દ્વારા ફાર્મસી શિક્ષણ ક્ષેત્રે શરૂ કરાયેલી આ નવી પહેલ પાટણ તથા સમગ્ર ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે નવી શૈક્ષણિક અને કારકિર્દીની તકોનું દ્વાર ખોલશે.




