GMERS હોસ્પિટલ ધારપુર–પાટણ ખાતે ઈનહાઉસ બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન…

ધારપુર–પાટણ સ્થિત GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બ્લડ સેન્ટર વિભાગમાં તાજેતરમાં સર્જાયેલી રક્તની અછતને પહોંચી વળવા ઈનહાઉસ રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. દર્દીઓને સમયસર પૂરતું અને સુરક્ષિત રક્ત મળી રહે તે માટે ડૉક્ટરો, મેડિકલ વિદ્યાર્થીઓ, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ ટીમ અને તમામ કર્મચારીઓએ સેવાભાવે આગળ આવી માનવતાનું ઉત્તમ કાર્ય કર્યું હતું.

બ્લડ સેન્ટર દ્વારા તા. 14/11/2025ના રોજ શુક્રવારે આયોજિત આ રક્તદાન શિબિર ડીન ડો. હાર્દિકભાઈ શાહ અને મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. પારુલબેન શર્માના માર્ગદર્શન હેઠળ, બ્લડ સેન્ટરના વડા ડો. તરુણ કોટડિયા અને ઇન્ચાર્જ ડો. સુનીતા ગોયલના સંકલનથી યોજાઈ હતી.

શિબિરને સફળ બનાવવા પેથોલોજી વિભાગ, બ્લડ સેન્ટર સ્ટાફ, તમામ વિભાગોના અધિકારીઓ, ડૉક્ટરો, મેડિકલ વિદ્યાર્થી અને હોસ્પિટલ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક સહકાર આપ્યો હતો. સર્વેના સક્રિય સહભાગથી કુલ 113 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જે હોસ્પિટલના દર્દીઓ માટે મહત્વપૂર્ણ ઉપલબ્ધિ તરીકે નોંધાઈ છે.

રક્તદાતાઓના સેવાભાવને બિરદાવવા માટે દરેક દાતાને સ્મૃતિરૂપે ગિફ્ટ આપવામાં આવી હતી, જેને સૌએ આનંદપૂર્વક સ્વીકારી હતી.

આ અભિયાનને ડીન ડો. હાર્દિકભાઈ શાહ, મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. પારુલબેન શર્મા, બ્લડ સેન્ટરના વડા ડો. તરુણ કોટડિયા અને ઇન્ચાર્જ ડો. સુનીતા ગોયલ સહિત તમામ વિભાગો તથા મેડિકલ વિદ્યાર્થીઓના સંકલિત પ્રયાસોથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.

GMERS હોસ્પિટલ દ્વારા જણાવાયું કે ભવિષ્યમાં પણ માનવહિતના આવા સકારાત્મક અને સેવાભાવી કાર્યક્રમો સતત આયોજિત કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here