NGESની અનોખી દિવાળી પહેલ- “એક મુઠ્ઠી અજવાળું”: ૨,૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ સેવાભાવથી જરૂરિયાતમંદ બાળકોના જીવનમાં પ્રગટાવ્યો ખુશીઓનો દીપ

NGES કેમ્પસની ત્રણ શાળાઓના વિદ્યાર્થીઓએ પોતાના હાથે કપડાં, મીઠાઈ, રમકડાં અને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરી ઉજવી ‘સમર્થ દિવાળી’

“શિક્ષણ માત્ર જ્ઞાન આપવાનું નહીં, પરંતુ બાળકોમાં સંવેદના, સમાનતા અને સેવાભાવના સંસ્કારોનું સિંચન કરવાનું માધ્યમ છે.” – ડૉ. જય ધ્રુવ

પાટણ : દિવાળીના પાવન પર્વને માત્ર પોતાના ઘર પૂરતું સીમિત ન રાખતાં, અન્યના જીવનમાં પણ ખુશીઓનો દીપ પ્રગટાવવાના ઉમદા સંકલ્પ સાથે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળા પરિવાર દ્વારા ‘એક મુઠ્ઠી અજવાળું – મારું થોડું, કોઈનું ઘણું’ અંતર્ગત ‘સમર્થ દિવાળી – ખુશીઓની વહેંચણી’ની અનોખી અને પ્રેરણાદાયી પહેલ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનમાં NGES કેમ્પસની ત્રણ શાળાઓના ૨,૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પોતાનું યોગદાન આપી માનવતા, સહાનુભૂતિ અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ અભિયાન અંતર્ગત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ, અરવિંદ જીવાભાઈ વિદ્યામંદિર અને પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી સ્વચ્છ અને નવાં કપડાં, રમકડાં, શૈક્ષણિક સામગ્રી તથા અન્ય ઉપયોગી વસ્તુઓ એકત્રિત કરી હતી. સાથે મીઠાઈ અને વિવિધ જરૂરિયાતની સામગ્રી દ્વારા પાટણ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ બાળકો સુધી દિવાળીની ખુશીઓ પહોંચાડવામાં આવી હતી. આ ૨ દિવસ ની પહેલની સૌથી વિશેષ બાબત એ રહી કે વિદ્યાર્થીઓએ પોતે જ જરૂરિયાતમંદ બાળકોને પોતાના હાથે વસ્તુઓ અર્પણ કરી હતી, જેના થકી માત્ર વસ્તુઓનું વિતરણ નહીં, પરંતુ બે બાળકો વચ્ચે સ્નેહ, સમાનતા અને માનવતાનો સુંદર સંબંધ સ્થાપિત થયો હતો.

આ સમગ્ર અભિયાનમાં ત્રણેય શાળાઓના વાલી પરિવારનો પણ અદભુત સહયોગ પ્રાપ્ત થયો હતો. વાલીઓએ પોતાના બાળકોને સમાજ પ્રત્યેની જવાબદારી સમજાવી, જરૂરિયાતમંદો માટે યોગદાન આપવા પ્રોત્સાહિત કર્યા હતા. આ રીતે શાળા, વિદ્યાર્થી અને વાલી પરિવારના સંયુક્ત પ્રયાસોથી ‘એક મુઠ્ઠી અજવાળું’ અભિયાન સામાજિક સંવેદના અને સંસ્કારલક્ષી શિક્ષણનું જીવંત ઉદાહરણ બન્યું હતું.

આ પ્રસંગે NGES કેમ્પસના સંચાલક ડૉ. જય ધ્રુવે જણાવ્યું હતું કે, “આજના સમયમાં બાળકોને માત્ર સફળ બનાવવાની નહીં, પરંતુ સંવેદનશીલ અને જવાબદાર નાગરિક બનાવવાની પણ એટલી જ જરૂર છે. જ્યારે એક બાળક પોતાના હાથે બીજા જરૂરિયાતમંદ બાળકને કોઈ વસ્તુ આપે છે, ત્યારે તે માત્ર દાન નથી કરતું, પરંતુ તેના મનમાં કરુણા, સહાનુભૂતિ, સમાનતા અને સેવાનો એક અમૂલ્ય સંસ્કાર જન્મે છે. બાળક જ્યારે બીજાના ચહેરા પર ખુશી જુએ છે, ત્યારે તેને સમજાય છે કે સાચી સમૃદ્ધિ માત્ર પોતાની પાસે કેટલું છે તેમાં નહીં, પરંતુ આપણે બીજાના જીવનમાં કેટલી ખુશીઓ વહેંચી શકીએ તેમાં રહેલી છે. આવા અનુભવો બાળકોને જીવનભર સમાજ પ્રત્યે સંવેદનશીલ અને જવાબદાર બનાવે છે. અમારો પ્રયાસ છે કે દરેક બાળક માત્ર શિક્ષિત નહીં, પરંતુ સુસંસ્કારી, સેવાભાવી અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત નાગરિક બને.”

ડૉ. જય ધ્રુવે આ અભિયાનમાં સહયોગ આપનાર સમગ્ર વાલી પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “વાલીઓએ આ સામાજિક પહેલમાં આપેલું યોગદાન માત્ર વસ્તુઓ પૂરતું નથી, પરંતુ પોતાના બાળકોમાં સેવા, સહકાર અને માનવતાના સંસ્કારોનું વાવેતર કરવાનું અમૂલ્ય કાર્ય છે. શાળા અને વાલી પરિવાર સાથે મળીને જ આવતીકાલના સંવેદનશીલ અને સંસ્કારી સમાજનું નિર્માણ કરી શકે છે.”

ડૉ. જય ધ્રુવના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ આ સમગ્ર અભિયાનને સફળ બનાવવા ત્રણેય શાળાઓના આચાર્યો ડૉ. ઝેડ એન સોઢા, ડૉ. ચિરાગ પટેલ અને વંદનાબેન સંજયભાઇ પંચોલી તથા ત્રણેય શાળાઓના શિક્ષકો અને સમગ્ર સ્ટાફે અથાગ મહેનત કરી હતી. વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી, વાલીઓના ઉમદા સહયોગ અને શાળા પરિવારના સંકલિત પ્રયાસોથી આ પહેલ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.

આ અભિયાન દ્વારા NGES કેમ્પસે સમાજને એક સુંદર સંદેશ આપ્યો છે કે દિવાળીનો સાચો પ્રકાશ માત્ર દીવડાઓથી નહીં, પરંતુ કોઈ જરૂરિયાતમંદના ચહેરા પર લાવેલા સ્મિતથી ફેલાય છે. શિક્ષણની સાથે સેવા, સંસ્કાર અને સામાજિક જવાબદારીના મૂલ્યોનું સિંચન કરીને NGES કેમ્પસે વધુ એક પ્રેરણાદાયી પહેલ દ્વારા સમાજ સમક્ષ અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here