ભજન ક્લબિંગનો અનોખો પ્રયોગ : NGES કેમ્પસમાં ભક્તિના સૂરે વિદ્યાર્થીઓએ અનુભવ્યો માનસિક શાંતિનો આનંદ

NGES કેમ્પસ દ્વારા ડિજિટલ વ્યસ્તતા અને અભ્યાસના તણાવ વચ્ચે વિદ્યાર્થીઓને સંગીત, ધ્યાન અને આધ્યાત્મિકતા સાથે જોડવાનો નવતર પ્રયાસ

પાટણ : આજના ડિજિટલ યુગમાં બાળકો અને યુવાનો સતત મોબાઇલ, સોશિયલ મીડિયા, અભ્યાસના દબાણ અને સ્પર્ધાત્મક જીવનશૈલી વચ્ચે માનસિક તણાવ અનુભવી રહ્યા છે. ત્યારે દિવાળી વેકેશન પહેલાં વિદ્યાર્થીઓને તણાવમુક્ત વાતાવરણ, સકારાત્મક ઊર્જા અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડવાના હેતુથી નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી (NGES) કેમ્પસ, પાટણ દ્વારા અનોખા ‘ભજન ક્લબિંગ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં NGES સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ, અરવિંદ જીવાભાઈ વિદ્યામંદિર, એલ.એન.કે. બી.એડ. કોલેજ અને પી.કે. કોટાવાલા આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

આ કાર્યક્રમમાં પાટણ જિલ્લાના માનનીય કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવા,HNGU ના કુલપતિશ્રી ડૉ. કેસી પોરીયા તથા NGES કેમ્પસ સંચાલક ડૉ. જય ધ્રુવની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું અને યુવા પેઢીના માનસિક સ્વાસ્થ્ય, શિસ્ત, સંસ્કાર તથા સર્વાંગી વિકાસ માટે આયોજિત આ પ્રકારની રચનાત્મક પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી.

કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પી.કે. કોટાવાલા આર્ટ્સ કોલેજના સંગીત વિભાગના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલાં સુમધુર ભજનો હતાં. પરંપરાગત ભજનોને આધુનિક યુવા પેઢી સાથે જોડવાના આ અનોખા પ્રયાસમાં વિદ્યાર્થીઓએ તાલીઓના તાલે ભક્તિસંગીતનો આનંદ માણ્યો હતો. ભજનોના મધુર સૂરથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઊર્જાસભર બની ગયું હતું. અનેક વિદ્યાર્થીઓએ આંખો બંધ કરીને સંગીત અને ધ્યાનનો અનુભવ કર્યો હતો. કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપતાં જણાવ્યું હતું કે આ અનુભવથી તેમને રોજિંદા અભ્યાસના દબાણમાંથી હળવાશ, આનંદ અને માનસિક શાંતિની અનુભૂતિ થઈ હતી. પાટણ જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવાએ ભજન ક્લબિંગ જેવી આધ્યાત્મિક અને સંસ્કૃતિસભર પ્રવૃત્તિઓ દ્વારા યુવાનોને માનસિક શાંતિ, સકારાત્મકતા અને જીવનમૂલ્યો સાથે જોડાવા આપ્યું પ્રોત્સાહન.

આ પ્રસંગે ડૉ. જય ધ્રુવે જણાવ્યું હતું કે, “આજની યુવા પેઢીને માત્ર ટેક્નોલોજી, માર્ક્સ અને ડિગ્રીની જ નહીં, પરંતુ માનસિક સ્થિરતા, આત્મવિશ્વાસ, સંસ્કાર અને આધ્યાત્મિક સંતુલનની પણ જરૂર છે. આપણે બાળકોને સ્માર્ટ બનાવવાની સાથે માનસિક રીતે સશક્ત પણ બનાવવા પડશે. ભજન ક્લબિંગ જેવી પ્રવૃત્તિઓ દ્વારા યુવાનોને ભારતીય સંસ્કૃતિ સાથે જોડીને સંગીત અને ધ્યાનના માધ્યમથી સકારાત્મક જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનો અમારો પ્રયાસ છે.”

વિશેષ કરીને આજના સમયમાં યુવાનોમાં વધતી ડિજિટલ નિર્ભરતા અને માનસિક તણાવને ધ્યાનમાં રાખીને NGES કેમ્પસ દ્વારા ડિજિટલ ફાસ્ટ, માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અને યુવા સશક્તિકરણ જેવી વિવિધ પહેલ કરવામાં આવી રહી છે. ભજન ક્લબિંગ આ દિશામાં વધુ એક સર્જનાત્મક પ્રયાસ બની રહ્યો છે. આ કાર્યક્રમ દ્વારા એવો સંદેશ આપવામાં આવ્યો હતો કે આધુનિકતા અને આધ્યાત્મિકતા એકબીજાના વિરોધી નથી, પરંતુ બંનેનો સંતુલિત સમન્વય જ સંસ્કારવાન, આત્મવિશ્વાસુ અને જવાબદાર યુવા પેઢીનું નિર્માણ કરી શકે છે.

આવા કાર્યક્રમો દ્વારા યુવા પેઢીને માનસિક રીતે સશક્ત, સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ અને રાષ્ટ્ર પ્રત્યે જવાબદાર બનાવી વિકસિત અને સમૃદ્ધ ભારત ૨૦૪૭ના નિર્માણમાં સહભાગી બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here