વાગડોદના વદાણી ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ તબીબને પાટણ SOG એ ₹16,749ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો…

*પાટણ:
બનાસકાંઠા રેન્જ, પાલનપુરના પોલીસ મહાનિરીક્ષક પરિક્ષીતા રાઠોડ તથા પાટણ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા નકલી તબીબો વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં ભરવાની સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને પાટણ એસ.ઓ.જી. (SOG) પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે વાગડોદ પોલીસ સ્ટેશન વિસ્તારના વદાણી ગામે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરી રહેલો એક બોગસ ડોક્ટર ઝડપાઈ ગયો હતો.
પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ આરોપીનું નામ હશનભાઇ મીયાભાઇ શેખ (ઉંમર વર્ષ ૬૦, રહે. કાલીબજાર, સામતપુરા, મોટી મસ્જિદ સામે, તા.જિ. પાટણ) હોવાનું સામે આવ્યું છે. આ શખ્સ દર્દીઓને તપાસીને એલોપેથિક દવાઓ તથા ઈન્જેક્શન આપી લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યો હતો. પોલીસે સ્થળ પરથી ઈન્જેક્શનો, વિવિધ દવાઓ અને મેડિકલ સાધનો સહિત કુલ રૂપિયા ૧૬,૭૪૯.૪૯/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ અંગે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ ૩૧૯(૨) તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ ૩૦ મુજબ વાગડોદ પોલીસ સ્ટેશનમાં ગુનો (ગુ.ર.નં. ૧૧૨૧૭૦૪૪૦૨૬૦૪૯૭/૨૦૨૬) નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકી, પો.સ.ઇ. એ.પી. ઠાકોર તેમજ પોલીસ કર્મચારીઓ પ્રવિણદાન લક્ષ્મણદાન અને હેતુભા લક્ષ્મણજી જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here