શાળા ફક્ત મકાન નથી, સંસ્કારોનું તીર્થસ્થાન છે” – વિપુલભાઈ પટેલ

સ્વચ્છતા, હરિયાળી અને શિસ્ત માટે શેઠ એમ એન હાઇસ્કુલના 700 જેટલા વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા લીધી

ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ. એન. હાઇસ્કૂલ, પાટણ ખાતે તા. 1 સપ્ટેમ્બર, 2025 ના રોજ “આપણી શાળા – આપણું સ્વાભિમાન” કાર્યક્રમ ભવ્યતા સાથે યોજાયો.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. શાળાના કલાવૃંદે રજૂ કરેલું “આપણી શાળા – આપણું સ્વાભિમાન” ગીત સૌને મંત્રમુગ્ધ કરી ગયું. આચાર્યશ્રી ડૉ. ધનરાજભાઈ ઠક્કરે કાર્યક્રમના હેતુની ચર્ચા કરતા શાળાપ્રેમ, શિસ્ત અને સ્વચ્છતાને જીવનમૂલ્યો સાથે જોડવાની ભાવના જગાવી.
કાર્યક્રમમાં પ્રેરણાદાયી વક્તવ્ય આપતા મદદનીશ શિક્ષકશ્રી વિપુલભાઈ પટેલે જણાવ્યું કે, આજનો દિવસ માત્ર એક તારીખ નહીં પરંતુ ઇતિહાસ રચનારી ક્ષણ છે.
“શાળા એ ફક્ત ભવન નથી, પરંતુ સંસ્કારોનું તીર્થસ્થાન છે જ્યાંથી ભાવિ નાગરિકો ઘડાય છે. શિક્ષણનો ઉદ્દેશ્ય માત્ર જ્ઞાન મેળવવો નહીં પરંતુ ચારિત્ર્ય નિર્માણ, શિસ્ત અને રાષ્ટ્રપ્રત્યેની જવાબદારીનું સંવર્ધન કરવાનો છે. જેમ આપણે આપણા ઘર પર ગર્વ કરીએ છીએ, તેમ જ આપણી શાળાને ગૌરવનું સ્થાન આપવું એ જ સાચું સ્વાભિમાન છે,” એમ તેમણે ઉમેર્યું.
શિક્ષિકા શ્રીમતી બીનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ સંકલ્પ લીધો કે તેઓ શાળા હંમેશા સ્વચ્છ રાખશે, હરિયાળી જાળવશે, શિસ્તબદ્ધ વાતાવરણનું નિર્માણ કરશે, શાળાની મિલકતને રાષ્ટ્રીય સંપત્તિ સમાન માનશે, શિક્ષણને સાચા અર્થમાં જીવનમાં ઉતારશે
સંચાલનનું સુવ્યવસ્થિત કાર્ય શિક્ષિકા શ્રીમતી ગીતાબેન પરમારે સંભાળ્યું.
આ પ્રસંગે ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોની ઉપસ્થિતિથી કાર્યક્રમ ગૌરવશાળી બન્યો.
શાળાનો આ કાર્યક્રમ ફક્ત એક ઉજવણી નહીં પરંતુ શાળાપ્રેમ, શિસ્ત, સ્વચ્છતા અને રાષ્ટ્રીય જવાબદારી તરફની એક નવી ચળવળની શરૂઆત સાબિત થયો.




