ટેકનોલોજી અને પોલીસનું સચોટ સંકલન: રિક્ષામાં ભુલાયેલો મોબાઈલ ગણતરીના કલાકોમાં શોધાયો

પાટણ:
પાટણ જીલ્લામાં કાર્યરત ‘વિશ્વાસ પ્રોજેક્ટ’ (VISWAS Project) અંતર્ગત લગાવવામાં આવેલા CCTV કેમેરા ફરી એકવાર નાગરિકોની વહારે આવ્યા છે. રિક્ષામાં ભૂલી ગયેલા એક કિંમતી મોબાઈલ ફોનને ગણતરીના કલાકોમાં શોધી કાઢીને પાટણની નેત્રમ ટીમે અરજદારને પરત સોંપી પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ઘટનાની વિગત:
ગઈકાલે તા. ૧૩/૦૧/૨૦૨૬ના રોજ પાટણના રહેવાસી પરેશભાઈ ઠક્કર સરદાર કોમ્પ્લેક્સ, સિદ્ધપુર ચાર રસ્તાથી રિક્ષામાં બેસીને ગોલ્ડન ચોકડી તરફ જઈ રહ્યા હતા. સ્પેર પાર્ટ લેવા માટે ઉતરતી વખતે તેઓ પોતાની સાથેનો અંદાજે ₹૧૨,૦૦૦ની કિંમતનો વિવો (Vivo) કંપનીનો મોબાઈલ ફોન રિક્ષામાં જ ભૂલી ગયા હતા. રિક્ષા ત્યાંથી રવાના થઈ ગયા બાદ તેમને પોતાની ભૂલ સમજાઈ હતી.
સીસીટીવી કેમેરાથી મળી સફળતા:
પરેશભાઈએ તુરંત જ પાટણ પોલીસના ‘નેત્રમ’ (Netram) કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનો સંપર્ક સાધ્યો હતો. નેત્રમ ટીમ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસતા રિક્ષાનો નંબર GJ38WA3372 મળી આવ્યો હતો. પોલીસે જ્યારે રિક્ષા ચાલકનો સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું હતું કે પરેશભાઈ પછી અન્ય એક પેસેન્જર રિક્ષામાં બેઠો હતો, જે રૂની ખાતે ઉતર્યો હતો. પોલીસે તાત્કાલિક રૂની જઈ તપાસ કરતા મોબાઈલ મળી આવ્યો હતો, જે બાદમાં મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યો હતો.
પોલીસ અધિકારીઓનું માર્ગદર્શન:
આ સફળ કામગીરી પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા (સરહદી રેન્જ, ભુજ), પોલીસ અધિક્ષકશ્રી વી.કે. નાયી (પાટણ) અને વિશ્વાસ પ્રોજેક્ટના નોડલ ઓફિસર શ્રી મહેન્દ્રસિંહ બી. સોલંકીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. મોબાઈલ પરત મળતા અરજદારે પાટણ પોલીસ અને નેત્રમ ટીમનો આભાર માન્યો હતો.
ટીમ કામગીરી:
આ ઓપરેશનમાં નેત્રમના પો.સ.ઈ. એચ.એસ. પટેલ, પો.વા.સ.ઇ. જે.એલ. રાજપુત, સીનીયર એન્જીનીયર દીપક ઠક્કર અને પોલીસ કોન્સ્ટેબલ મહેશકુમાર ભુદરભાઇ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here