પાટણમાં પદ્મનાભ મંદિર સામે નિર્માણાધિન વણકર સમાજ ભવન અને લાયબ્રેરીનું નિર્માણ કાર્ય વેગવંતુ

પાટણમાં પદ્મનાભ મંદિર સામે બની રહેલા આધુનિક વણકર સમાજ ભવન અને લાયબ્રેરીના બાંધકામની પાટણ શહેરના આગેવાનો અને યુવાનોએ મુલાકાત લીધી; વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉદાર હાથે દાન આપવા અપીલ

પાટણ વણકર સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા સમાજના વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે પદ્મનાભ મંદિર સામે એક અત્યાધુનિક સમાજ ભવન અને લાયબ્રેરીનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. તાજેતરમાં ટ્રસ્ટના હોદ્દેદારો, પાટણ શહેરના આગેવાનો અને યુવાનોએ આ સ્થળની મુલાકાત લઈને ચાલી રહેલા બાંધકામની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.


નિરીક્ષણ અને ઉત્સાહ: ટ્રસ્ટના પ્રમુખ ડૉ. અનિલભાઈ પી. પરમાર, મહામંત્રી મુકેશભાઈ યુ. પરમાર અને કારોબારી સભ્ય રસિકભાઈ સી. જાદવની ઉપસ્થિતિમાં યોજાયેલી આ મુલાકાત દરમિયાન ઉપસ્થિત પાટણ શહેરના આગેવાનો અને યુવાનોએ ફેજ-૧ અને ફેજ-૨ નું કાર્ય પૂર્ણ થઈને હાલ ચાલી રહેલા ફેજ-૩ ના કામ જોઈને ખુશી વ્યક્ત કરી હતી.
આધુનિક સુવિધાઓ અને આયોજન
ટ્રસ્ટના મુખ્ય લક્ષ્ય મુજબ, સમાજના યુવક-યુવતીઓ જી.પી.એસ.સી., યુ.પી.એસ.સી. અને ક્લાસ-૧ થી ક્લાસ-૩ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે તે માટે લાયબ્રેરી, કમ્પ્યુટર સુવિધા અને નિષ્ણાતોના માર્ગદર્શનની વ્યવસ્થા કરાશે.
બિલ્ડિંગમાં અંદાજે ૬૦×૫૩ ફૂટનો વિશાળ હોલ બનશે, જેમાં આશરે માળખા મુજબ અઢીસો જેટલા લોકોની બેઠક વ્યવસ્થા, તાલીમ સત્રો અને સામાજિક પ્રસંગો યોજી શકાશે.
બીજા માળે છ એસી રૂમ, વિશાળ પેસેજ અને શૌચાલયની સુવિધા સાથે બહારગામથી આવતા વિદ્યાર્થીઓ માટે રહેવા-જમવાની પણ સગવડ ઉપલબ્ધ થશે.
દિવાળી આસપાસ લોકાર્પણનો સંકલ્પ ટ્રસ્ટના પ્રમુખ ડૉ. અનિલભાઈ પરમારે જણાવ્યું હતું કે આગામી દિવાળી આસપાસ ઓછામાં ઓછા બે માળનું કામ પૂર્ણ કરવાનો સંકલ્પ છે. સમાજના એકસો પાંત્રીસ ગામોના સહયોગથી આ પવિત્ર કાર્ય આગળ વધી રહ્યું છે.
દાન માટે અપીલ કોઈપણ મતભેદોને બાજુ પર મૂકીને સમાજના બાળકોના શિક્ષણ અર્થે યથાશક્તિ દાન આપવા દાતાઓને અનુરોધ કરાયો છે. સંસ્થાને અપાતું દાન આવકવેરા કાયદા હેઠળ કરમુક્તિ માટે પાત્ર છે.
સંપર્ક માહિતી: દાન આપવા કે વધુ માહિતી મેળવવા માટે ટ્રસ્ટના સંપર્ક નંબર ૯૭૨૩૭૧૯૭૭૩ પર અથવા હોદ્દેદારોનો સંપર્ક કરવા જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here