સોસાયટીના રહિશ દ્રારા પાલિકા પ્રમુખ અને ચિફ ઓફિસર ને લેખિતમાં રજુઆત કરવામાં આવી…
પાટણ તા. 30
પાટણ શહેરના ગાયત્રી મંદિર પાછળ આવેલ ચિત્રકૂટ સોસાયટી માં ચોમાસા દરમ્યાન ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે તથા નવીન પીવાની પાઈપ લાઈન નાખવા અને સોસાયટીના મેઈન ગેટ પાસે બમ્પ બનાવવાની માંગ સાથે ચિત્રકૂટ સોસાયટી પરિવારના સભ્ય શૈલેષભાઈ નાયી દ્રારા નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ અને ચિફ ઓફિસર હિરલબેન ઠાકરને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.
તેઓએ લેખિતમાં કરેલ રજુઆતમાં જણાવ્યું છે કે મોજે-ગુંગડીપાર્ટી ના રે. સર્વેનંબર ૧૩૩/૧ ના સીટી સર્વેનંબર ૧૯૦૫/બ માં આવેલ ચિત્રકુટ સોસાયટી ૪૦-૪૫ વર્ષ જુની સોસાયટી છે. અને અવારનવાર આ સોસાયટી વિસ્તારના નવીન રોડ બનતાં આ સોસાયટી નીચાણ વાળી બનતા ચોમાસા દરમ્યાન આજુબાજુની સોસાયટી ના વરસાદી પાણી આ સોસાયટીમાં ભરાતાં હોય છે અને પાણી સુકાઈ ગયા બાદ સોસાયટી વિસ્તારમાં કાદવ કિંચડ અને ગંદકી ફેલાતી હોવાથી મચ્છર જન્ય જીવજંતુ ના કારણે રહીશોમાં રોગચાળો ફેલાવવાની ભિતી સેવાતી હોય છે. આ બાબતે કલેકટર સુધી રજુઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ આવેલ નથી તો આ સોસાયટી માગૅ પરથી દિવસ દરમ્યાન અનેક વાહનો પસાર થતાં હોવાથી અને એક પણ બમ્પ સોસાયટી ના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ન હોવાથી અકસ્માત ની સંભાવનાઓ પણ પ્રબળ બની છે ત્યારે આગામી ચોમાસા પહેલા આ સોસાયટી વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે અને સોસાયટીના પ્રવેશ દ્વાર પાસે તાત્કાલિક ધોરણે બમ્પ બનાવવાની માંગણી સાથે તેઓએ વર્ષો જુની પીવાની પાઈપ લાઈનનું નવીનીકરણ કરવાની રજુઆત તેઓ દ્રારા લેખિતમાં કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.




