પાટણ જિલ્લા પોલીસ દ્વારા ચાલી રહેલા ખાસ અભિયાન હેઠળ હારીજ પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાઇકોટ્રોપીક સબસ્ટાન્સ એક્ટ, 1985 હેઠળ નોંધાયેલ ગુનામાં નાસતા ફરતા આરોપી આનંદકુમાર બાબુભાઈ જોષી (રહે. હારીજ, વશરામપુરા શેરી)ને પોલીસે ચાંગોદર જી.આઈ.ડી.સી. વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.
સ્ટેટ મોનિટરીંગ સેલ, ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુ.ર.નં. 11995001250024/2025 મુજબ આરોપી સામે NDPSની કલમ 8(સી), 21(સી) અને 29 તેમજ બી.એન.એસ.એસ. કલમ 72 હેઠળ ગુનો નોંધાયેલ હતો. આરોપી લાંબા સમયથી નાસતો ફરતો હતો. હારીજ સર્વેલન્સ ટીમને Ahmedabad ખાતે આરોપી ફાર્માલિયા લાઈફસાઈન્સ ફેક્ટરીમાં હાજર હોવાની ગુપ્ત માહિતી મળતા પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. શાહના માર્ગદર્શન હેઠળની ટીમે રેડ પાડી તા. 10 નવેમ્બર, 2025ના રોજ સાંજે લગભગ 7.15 વાગ્યે આરોપીને બી.એન.એસ.એસ. કલમ 35(1)(જે) મુજબ કાયદેસર રીતે કાબૂમાં લીધો હતો. બાદમાં આરોપીને ચાંગોદર પોલીસ સ્ટેશનમાં સોંપી સ્ટેટ મોનિટરીંગ સેલ, ગાંધીનગરને માહિતી પાઠવવામાં આવી હતી.
આ સફળ કામગીરીમાં એ.એસ.આઈ. ખોડાજી સોમાજી, હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ લગધીરભાઇ, ખુમાણભાઇ હમીરભાઇ તથા કોન્સ્ટેબલ પ્રવિણજી ગુલાજી, ભગાજી સરતાનજી અને મોઘજીભાઇ રામસુંગભાઇની પ્રશંસનીય ભૂમિકા રહી હતી.
આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક (સરહદી રેન્જ) ચિરાગ કોરડીયા, પોલીસ અધિક્ષક પાટણ વી.કે. નાયી તથા નાયબ પોલીસ અધિક્ષક રાધનપુર ડી.ડી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરાઈ હતી.



