બનાસકાંઠા જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થા બનાસ બેંકની ૬૬મી વાર્ષિક સાધારણ સભા કાનુભાઇ મહેતા હોલ. પાલનપુર ખાતે બનાસ બેંકના ચેરમેન ડાહ્યાભાઇ પીલીયાતરની અધ્યક્ષતામાં યોજાઇ હતી.

ચેરમેનશ્રીએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત બેંકના સભાસદો ખેડૂતો અને સહકારી આગેવાનોનું બેંક વતી હાર્દિક સ્વાગત કર્યું હતું અને બેંકની નાણાકીય પરિસ્થિતિની જાણકારી આપતા જણાવ્યું હતું કે ગત વર્ષે બેંકની ડિપોઝીટ નો ૩૯૨ કરોડનો વધારો થતા ૩૭૦૪ કરોડ થઈ છે તેમજ ધિરાણો ૨૭૬૧ કરોડ થયેલ છે તેમજ બેંકના ભંડોળો ૫૧૩ કરોડ થયેલ છે. ગત વર્ષે બેંકની પ્રગતિમાં મોટો વધારો થયો તેમાં સહકાર મંત્રાલય દ્વારા ‘સહકાર વિકાસ યોજના” નો પાયલોટ પ્રોજેક્ટ બનાસકાંઠા જિલ્લાને આપ્યો તેના કારણે શક્ય બન્યું છે. જે માટે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા કેન્દ્રના ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહના આભારી છીએ. ભારતના સહકાર મંત્રાલય દ્વારા પ્રાથમિક કૃષિ ધિરાણ સેવા મંડળીઓનું સંપૂર્ણ કમ્પ્યુટરાઈઝેશન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે સેવા સહકારી મંડળીઓને ખાતર અને ધિરાણની પ્રવૃત્તિઓથી આગળ વધીને વેરહાઉસિંગ, કોમન સર્વિસ સેન્ટર, સસ્તા અનાજની દુકાન, ડેરી, કૃષિ-પ્રોસેસિંગ, પેટ્રોલ પંપ, એલપીજી ડિસ્ટ્રિબ્યુશન જેવી નવી પ્રવૃતિઓ શરૂ કરી મંડળીઓને વધુ મજબૂત બનાવવાનું જણાવ્યું હતું.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સહકારથી ભેગા મળીને કામ કરવામાં આવે તો કામ ઝડપથી થાય છે તથા તેના અનેક ઘણા ફાયદા પણ થતા હોય છે સહકારથી સમૃદ્ધિ અંતર્ગત દેશમાં જે કામ થઈ રહ્યું છે તેમાં હાલની સ્થિતિએ બનાસ બેંક દેશમાં પ્રથમ ક્રમે છે.

રાષ્ટ્રીયકૃત અને પ્રાઇવેટ બેંકમાં પશુપાલકોના ખાતા હોવાથી ટેક્સ ભરવો પડતો હતો પરંતુ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પશુપાલકોના ખાતા બનાસ બેંકમાં ખોલવામાં આવ્યા તે ટેક્સ રહીત હોવાથી બનાસ ડેરીને આઠ કરોડ રૂપિયા જેટલો ફાયદો થયો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત બેંકની થાપણોમાં અનેક ઘણો વધારો થયો છે જેના કારણે ખેડૂતોને બેંક સરળતાથી ધિરાણો ઉપલબ્ધ કરાવી શકશે. બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે જિલ્લામાં ૩૦ લાખ જેટલા પશુ રહેલા છે. મૃત્યુ પામતાં પશુઓનો નિકાલ કરવાનો પ્રશ્ન સમયની સાથે જટીલ બની રહ્યો છે ત્યારે તેનો યોગ્ય નિકાલ થાય તેમજ મૃત પશુમાંથી પણ કમાણી થાય તે માટે સહકારી ધોરણે જિલ્લામાં એક સંસ્થા બનાવી ચર્મ ઉદ્યોગમાં ઝંપલાવવા સહકારી આગેવાનોને જણાવ્યું હતું.

બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે પહેલાના સમયમાં બેંકમાંથી માત્ર કે.સી.સી. લોન જ મળતી હતી પરંતુ હાલના સમયમાં કે.સી.સી લોન, મધ્ય મુદત, એજ્યુકેશન, પશુપાલન વગેરે જેવી લોનો સરળતાથી મળી રહી છે. સહકારથી સમૃદ્ધિ અંતર્ગત નેશનલાઈઝ અને પ્રાઇવેટ બેંકો માંથી પશુપાલકોના ખાતા બનાસ બેંકમાં ખોલાવવામાં આવ્યા છે જેના કારણે બેંકની ડિપોઝિટમાં વધારો થયો છે જેનો સીધો ફાયદો ખેડૂત મિત્રોને મળી રહ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટમાં જિલ્લાની બધી સહકારી સંથાઓને જોડાવાની અપીલ કરી હતી.
રાધનપુર તાલુકાના ધારાસભ્ય લવિજી ઠાકોરે સહકાર વિકાસ યોજનાના પાયલોટ પ્રોજેક્ટ થકી ખેડૂતો અને પશુપાલકોને અનેક ફાયદાઓ થઈ રહ્યા છે. સહકારથી સમૃદ્ધિના નારાને સહકારી સંસ્થાઓએ અપનાવી તેનો લાભ લેવા માટે જણાવ્યું હતું.
વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે સેવા મંડળીઓને કમ્પ્યુટરાઈઝેશન તરફ આગળ વધી સહકાર મંત્રાલયના લાભો લઈ સક્ષમ બનવા માટે અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને બેંકના મેનેજિંગ ડિરેક્ટર એમ.બી. પટેલ દ્વારા એજન્ડા ઉપરની કાર્યવાહી કરવામાં આવી હતી જેને ઉપસ્થિત સભાસદીએ મંજૂરી આપી હતી. આ પ્રસંગે બેંક દ્વારા ઉચ્ચ કામગીરી કરી વધુ નફો કરનારી મંડળીઓને અને ૧૦૦% વસૂલાત કરનાર મંડળીઓને પ્રમાણપત્ર અને પુરષ્કાર આપી સન્માનિત કરવામાં આવી હતી. બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમારે આભાર વિધિ કરી હતી.
આ પ્રસંગે રાજ્યના પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાનેસા, ગોવાભાઈ દેશાઇ બેંકના પૂર્વ ચેરમેન નથાભાઈ પટેલ, અણદાભાઈ પટેલ, સવસીભાઈ ચૌધરી, થરાદ એપીએમસીના ચેરમેન અને બનાસબેકના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ, જીગરભાઈ દેસાઈ, કે.પી. ચૌધરી, ઇશ્વરભાઈ પટેલ જીતેન્દ્રસિંહ ડાભી, દાનાજી ચાવડા, દોલતપુરી ગૌસ્વામી, સીતાબેન રાવલ, બનાસ ડેરીના વાઇસ ચેરમેન ભાવાભાઈ રબારી, ડિરેક્ટર ભરતભાઈ પટેલ, દિનેશભાઈ ભટોળ, મૂળજીભાઈ ચૌધરી, રાધાભાઈ આયર, રામજીભાઈ નાગોહ, સામંતભાઈ પટેલ. ધુડાભાઈ પટેલ જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન બાબરાભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ નીકાબેન પ્રજાપતિ, મહિલા અગ્રણી રેખાબેન ચૌધરી, બનાસ બેંકના પૂર્વ ડિરેક્ટરો, જિલ્લાની એપીએમસીના ચેરમેનો, તાલુકા સંઘના ચેરમેનો, તાલુકા ભાજપના પ્રમુખ/ મહામંત્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યો સહિત વિશાળ સંખ્યામાં બેંકના સભાસદો અને ખેડૂતો હાજર રહ્યા હતા.



