૧૧ ઓક્ટોબરે મતદાન, ૧૩મીએ મતગણતરી : ૬-વોર્ડની ૨૪ બેઠકો માટે ચૂંટણી જંગ જામશે
ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીયો જંગ ખેલાય તેવી ચર્ચા
બનાસકાંઠા જિલ્લાની થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર થતાં જ રાજકીય ગરમાવો શરૂ થયો છે. રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા આજે થરા સહિત ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણી જાહેર થતાં જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.થરા નગરપાલિકાનું મતદાન તા.૧૧ ઓક્ટોબર, રવિવારે સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી યોજાશે, જ્યારે તા.૧૩ ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.
ચૂંટણી કાર્યક્રમ મુજબ તા.૨૧ સપ્ટેમ્બરે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થશે અને તા.૨૬ સપ્ટેમ્બર ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ રહેશે. તા.૨૮ સપ્ટેમ્બરે ઉમેદવારીપત્રોની ચકાસણી અને તા.૨૯ સપ્ટેમ્બરે ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ રહેશે. જરૂર જણાય તો તા.૧૨ઓક્ટોબરે પુનઃમતદાન યોજાશે. ચૂંટણી પ્રક્રિયા તા.૧૬ ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. મતદાન ઇવીએમ થી થશે. મતદારે મતદાન માટે ચૂંટણી આયોગ દ્વારા માન્ય ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે.
થરા નગરપાલિકામાં સને ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૧૮૦૬૦ની વસ્તી સાથે કુલ ૬ વોર્ડ અને ૨૪ બેઠકો છે. જેમાં ૧૨ બેઠકો મહિલા ઓ માટે અનામત છે. કુલ બેઠકોમાં અનુસૂચિત જાતિની-૨,પછાત વર્ગ ની ૬ અને સામાન્ય વર્ગની ૮ બેઠકો નો સમાવેશ થાય છે. વોર્ડ નં.૧માં ૪, વોર્ડ નં.૨માં ૪, વોર્ડ નં.૩માં ૪, વોર્ડ નં.૪માં ૪, વોર્ડ નં.૫માં ૪અને વોર્ડ નં.૬માં ૪ બેઠકો રહેશે.
થરા પાલિકાના કુલ ૧૨૮૦૪ મતદારો આ ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં ૬૪૯૮ પુરુષ અને ૬૩૦૬ મહિલા મતદારો છે. વોર્ડ નં.૧માં પુરુષ-૧૩૩૯, સ્ત્રી-૧૨૫૮ કુલ ૨૫૯૭, વોર્ડ નં.૨માં પુરુષ-૧૦૭૬,સ્ત્રી-૧૦૩૫ કુલ ૨૧૧૧, વોર્ડ નં.૩ માં પુરુષ-૮૬૦, સ્ત્રી- ૮૬૭ કુલ ૧૭૨૭,વોર્ડ નં.૪માં પુરુષ-૯૨૧,સ્ત્રી- ૯૩૧ કુલ ૧૮૫૨, વોર્ડ નં.૫માં પુરુષ-૯૬૨,સ્ત્રી- ૯૩૯ કુલ ૧૯૦૧ અને વોર્ડ નં.૬માં પુરુષ-૧૩૪૦, સ્ત્રી-૧૨૭૬ કુલ ૨૬૧૬ મતદારો નોંધાયેલા છે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં હવે વિવિધ રાજકીય પક્ષો અને સંભવિત ઉમેદવારોમાં બેઠકોની અનામત મુજબ દાવેદારી અને રાજકીય ગણિતને લઈને ધમધમાટ શરૂ થવાની સાથે થરાનું રાજકારણ ગરમાયું છે.ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીયો જંગ ખેલાય તેવી ચર્ચા.
યશપાલસિંહ ટી વાઘેલા થરા




