નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી અને ઉદાસીનતા સામે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ; વારંવારની રજૂઆતો છતાં સમસ્યા ઠેરની ઠેર

પાટણ શહેરના વોર્ડ નં. ૯ અને ૧૦ ના રાજકાવડા અને જૂની જનતા હોસ્પિટલ આજુબાજુ ના વિસ્તાર માં પાટણ નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે સ્થાનિક રહીશો નર્કાગાર જેવી પરિસ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની લાઈનો વારંવાર ચોકઅપ થઈ જવાના કારણે ગટરના અત્યંત દુર્ગંધયુક્ત અને ગંદા પાણી જાહેર માર્ગો પર નદીની જેમ ઉભરાઈ રહ્યા છે. રસ્તાઓ પર ગંદા પાણીના ખાબોચિયા ભરાઈ રહેતા રાહદારીઓ અને વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ શાળાએ જતા બાળકોને પણ આ ગંદા પાણી માંથી ચાલીને જવું પડે છે.
સમસ્યા માત્ર રસ્તા પર ગંદકી પૂરતી સીમિત નથી, પરંતુ અનેક સ્થળોએ ગટરની લાઈનો લીકેજ હોવાના કારણે આ દૂષિત પાણી પીવાના પાણીની મુખ્ય લાઈન સાથે ભળી રહ્યું છે. જેના પરિણામે નગરપાલિકા દ્વારા નળ મારફતે વિતરણ કરવામાં આવતું પાણી અત્યંત ડહોળું અને દુર્ગંધ મારતું આવી રહ્યું છે. રહીશોના ઘરોમાં આવતું આ દૂષિત પાણી પીવાલાયક ન હોવાથી લોકોને બહારથી પાણી વેચાતું લાવવાની ફરજ પડી રહી છે. આ ગંદા પાણીના વપરાશથી વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની ગંભીર દહેશત સેવાઈ રહી છે, જેનાથી નાના બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર મોટો ખતરો તોળાઈ રહ્યો છે.
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ ગંભીર સમસ્યા અંગે પાટણ નગરપાલિકાના સત્તાધીશો અને લાગતા-વળગતા અધિકારીઓને અગાઉ પણ અનેકવાર મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો આપવામાં આવે છે અને આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. પાલિકા તંત્રની આ પ્રકારની ઉદાસીનતા અને કામગીરી પ્રત્યેની લાચારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે. તંત્રના બહેરા કાન અને નિષ્ક્રિયતા સામે વોર્ડ નં. ૯ના રહીશોએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે. સ્થાનિકોની માંગ છે કે વહેલી તકે ગટરની સફાઈ તેમજ શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવે.




