એપીએમસીના ચેરમેન અને વાઈસ ચેરમેન સહિતના ડિરેક્ટરો ની ઉપસ્થિતિમાં પ્લોટ નં ૫૧ પરથી કપાસ ની હરાજી બોલાવાશે..
પાટણ તા.૧૬
પાટણ સહિત સમગ્ર ઉત્તર ગુજરાત અને ગુજરાતના અન્ય શહેરોમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં પોતાની ખેત ઉત્પાદનના માલનું વેચાણ કરવા પાટણ એપીએમસી ખાતે આવતા હોય છે.ત્યારે પાટણ એપીએમસી ના ચેરમેન અને વાઈસ ચેરમેન સહિત તમામ ડિરેક્ટરો અને સ્ટાફ પરિવાર દ્વારા પણ ખેડૂતોને પોતાના માલનું પૂરેપૂરું વળતર મળે અને ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટેની તકેદારી રાખતા હોવાથી પાટણ એપીએમસી એ ખેડૂતો નો વિશ્વાસ સંપાદન કરી આગવી લોકચાહના મેળવી છે.
ચાલુ વર્ષે પણ પ્રથમ નવરાત્રી થી પાટણ એપીએમસી દ્વારા કપાસની નવી આવકની પ્લોટ નંબર ૫૧ ખાતેથી હરાજી નું સવારે ૯-૧૫ કલાકના શુભ મૂહુર્ત માં આયોજન કરવામાં આવ્યું હોવાનું પાટણ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું.
પાટણ એપીએમસી ના ચેરમેને વધુમાં જણાવ્યું હતુંકે પાટણ એપીએમસીમાં ખુલ્લી હરાજી,ખરું તોલ અને રોકડા નાણાનો વ્યવહાર હોવાના કારણે મોટાભાગના ખેડૂતો પોતાની ખેત ઉત્પાદનની વસ્તુઓનું વેચાણ કરવા પાટણ એપીએમસી ખાતે આવતા હોય છે.
ગત વર્ષે પાટણ એપીએમસીમાં વર્ષ દરમિયાન કુલ ૧૯૯૮૫૮ ક્વિન્ટલ એટલે કે ૨૦૦૦ કરતા વધુકપાસની ગાડીઓની આવક થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.તો ખેડૂતોને પણ ગત વર્ષે કપાસના પોષણક્ષમ ભાવ ઉપલબ્ધ બન્યા હોય ચાલુ વર્ષે પણ પાટણ એપીએમસીમાં કપાસની મબલખ આવક થવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની વ્યવસ્થા એપીએમસીમાં ઉપલબ્ધ બનાવવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.



