મહેસાણા:
મહેસાણા શહેર ‘એ’ ડિવિઝન પોલીસે નામદાર કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી હોય તેવા નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે.
ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ, મહેસાણાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલ દ્વારા જિલ્લામાં નાસતા-ફરતા અને કોર્ટ દ્વારા સજા પામેલા આરોપીઓને પકડી પાડવા માટે વિશેષ સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અમલીકરણ અર્થે પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. પારગીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ સતત કાર્યરત હતો.
પેટ્રોલિંગ દરમિયાન કસ્બા પોલીસ ચોકીના કર્મચારીઓને ખાનગી બાતમી મળી હતી કે, મહેસાણા કોર્ટના ફોજદારી કેસ નં. ૪૩૭૯૨/૨૦૨૫ ના કામના આરોપી ઠાકોર દર્શન ઉર્ફે અજય રણછોડજી (રહે. ભોયરાવાસ, મહેસાણા) સજા જાહેર થયા બાદથી ફરાર છે. આ માહિતીના આધારે પોલીસે ભોયરાવાસ નજીકથી આરોપીને ઝડપી પાડીને મહેસાણા જિલ્લા જેલ ખાતે મોકલી આપ્યો છે.
આ સફળ કામગીરીમાં કસ્બા પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ હર્ષદભાઇ હરીસંગભાઇ, કોન્સ્ટેબલ દિનેશભાઇ વાઘજીભાઇ અને કોન્સ્ટેબલ અમિતકુમાર ગણેશભાઇએ ઉત્કૃષ્ટ ટીમવર્ક કર્યું હતું.




