
સંગીત માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ સંસ્કૃતિ, સંવેદના અને પેઢીઓને જોડતું એક સશક્ત માધ્યમ છે. જૂના સુમધુર અને અમર ફિલ્મી ગીતો પ્રત્યે નવી પેઢીમાં પ્રેમ, આદર અને રસ જળવાઈ રહે તેમજ સંગીતની અમૂલ્ય પરંપરાનો વારસો સમાજ સુધી પહોંચે તેવા ઉદ્દાત હેતુથી સ્વર સંદીપ મ્યુઝિકલ ક્લબ – આર.કે. સ્ટુડિયો દ્વારા સતત પાંચમા વર્ષે ‘રફી-કિશોર-મુકેશ સંગીત સપ્તાહ-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વર્ષોથી યોજાતો આ અનોખો સંગીત મહોત્સવ આજે પાટણના સાંસ્કૃતિક જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો છે.


તા. 19 જુલાઈ, 2026ના રોજ પાટણના શ્રી કાલિકા મંદિર ખાતે યોજાયેલા પ્રથમ દિવસના કાર્યક્રમમાં સંગીતપ્રેમીઓનો ઉત્સાહભેર પ્રતિસાદ જોવા મળ્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે જાણીતા સંગીત તજજ્ઞ અશોકભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ અતિથિ તરીકે મહાશુખભાઈ મોદી (પ્રમુખ, વેપારી મહામંડળ, પાટણ), હર્ષદભાઈ ખમાર (તંત્રી, શ્રી મહાગુજરાત સાપ્તાહિક) તેમજ દીપકભાઈ ખત્રી (તંત્રી, શ્રી દીપ ટાઈમ્સ) ઉપસ્થિત રહી કલાકારોને પ્રોત્સાહન આપ્યું હતું.



પ્રથમ દિવસના કાર્યક્રમમાં સંદીપભાઈ ખત્રી, સુનિતાબેન પ્રજાપતિ, ડૉ. મધુબેન દેસાઈ, નેહાબેન પટેલ, બાબુભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ પ્રજાપતિ, વિજયભાઈ પટેલ, અનિતાબેન ખત્રી, જ્યોતિકાબેન જોશી, ભાવનાબેન દલવાડી, નિમિષાબેન પટેલ, જ્યોતિબેન પટેલ, જગદીશભાઈ પટેલ, સ્વયંભાઈ પરીખ, આરતીબેન ડબગર, આરતીબેન સોની અને ડૉ. દિલીપભાઈ પટેલ સહિતના કલાકારોએ મહંમદ રફી, કિશોર કુમાર અને મુકેશના અવિસ્મરણીય ગીતોની ભાવસભર રજૂઆત કરી હતી. કલાકારોના મધુર સ્વરે સમગ્ર માહોલ સંગીતમય બની ગયો હતો. પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટ સાથે કલાકારોને વધાવ્યા હતા અને અનેક રજૂઆતો દરમિયાન “વન્સ મોર”ની ગૂંજ સંભળાઈ હતી.




આ પ્રસંગે પ્રદીપભાઈ બારોટ, કમલેશભાઈ સ્વામી, રાજુભાઈ ઠક્કર (પત્રકાર) સહિત સ્વર સંદીપ મ્યુઝિકલ ક્લબના તમામ કલાકારો અને મોટી સંખ્યામાં સંગીતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે સ્વર સંદીપ મ્યુઝિકલ ક્લબ દ્વારા આયોજિત આ સંગીત સપ્તાહનું આ પાંચમું સુવર્ણ વર્ષ છે. ક્લબના કુલ 25 કાર્યક્રમ ઉજવાઈ રહેલા આ સપ્તાહ દરમિયાન 50 કલાકારો દ્વારા 500 અમર ગીતોની રજૂઆત કરવામાં આવશે. પાટણ શહેરના વિવિધ સ્થળો, શાળાઓ, સબજેલ તેમજ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ સહિત અનેક જાહેર સ્થળોએ સંગીતના આ કાર્યક્રમો યોજાશે, જેથી સમાજના દરેક વર્ગ સુધી સંગીતનો અમૂલ્ય વારસો પહોંચે.
સમગ્ર કાર્યક્રમનું સુંદર અને અસરકારક સંચાલન આત્મારામભાઈ નાઈ અને જ્યોતિબેન પટેલે કર્યું હતું.
આ સંગીત સપ્તાહ માત્ર એક મનોરંજન કાર્યક્રમ નથી, પરંતુ ભારતીય સંગીતની સુવર્ણ પરંપરાને જીવંત રાખવાનો અને નવી પેઢીમાં જૂના અમર ગીતો પ્રત્યે પ્રેમ જગાવવાનો એક સુંદર સાંસ્કૃતિક પ્રયાસ બની રહ્યો છે.




