ભૂગર્ભ જળ સ્તર ઉંચુ લાવવા લોકભાગીદારીને મજબૂત બનાવવા લાઈન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને પાટણ જીલ્લા વિકાસ અધિકારી દ્ધારા આહવાન કરવામાં આવ્યું
ભારત સરકાર દ્ધારા જળસંચય ઉપર ભાર મૂક્યો છે ત્યારે તેના અમલીકરણ માટે અટલ ભૂજલ યોજના અમલમાં મુકેલ છે. આ યોજનાના અમલીકરણ માટે જીલ્લા વહીવટી તંત્ર પ્રયત્નશીલ છે.
ગ્રામ્ય કક્ષાએ લોકો સુધી અટલ ભૂજલ યોજના અમલીકરણ થાય અને પ્રજાજનો સુધી યોજનાનો હેતુ પહોંચે અને જન જાગૃતિ ફેલાય તેવા ઉમદા હેતુથી જીલ્લા કક્ષાએ સંબંધિત લાઇન ડિપાર્ટમેન્ટ તથા રાજ્ય સરકાર દ્રારા નિયુક્ત કરવામાં આવેલ અમલીકરણ એજન્સી (ડી.આઇ.પી.) ને સાંકળી લઇ તા.૧૪-૧૫/૦૩/૨૦૨૨ ના રોજ બે દિવસીય તાલીમ વર્ગ સેમીનારનું આયોજન ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિ., યુનિસેફ સહિત પ્રાઇમોવ તરફથી સંયુક્ત ભાગીદારીથી કરવામાં આવેલ
આ તાલીમ વર્ગમાં જીલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ તાલીમાર્થી અધિકારીઓને સંબોધતાં જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભ જળસ્તર નીચે જઈ રહ્યા છે અને પાણીની ગુણવત્તા ઉપર પણ અસર જણાય છે ત્યારે આગામી સમયમાં પણ આપણે સૌ સહિયારા પ્રયત્નો થકી વરસાદી પાણીને જમીનમાં ઉતારવા વિવિધ પગલાઓ લેવા સક્રિય થવું પડશે. તેઓએ પંચાયતી રાજ મહાસંમેલનમાં માનનીય વડાપ્રધાનએ પણ જળસંચય માટે ગામેગામ ખેત તલાવડી બનાવવા સરપંચ ઓને અનુરોધ કર્યો હતો તે બાબત યાદ કરાવી, જીલ્લામાં ચેકડેમ બોરીબંધ બંધ વગેરેના મહત્તમ કામો માટે અત્યારથી જ આયોજનો હાથ ધરવા જણાવ્યું હતું પાણી બચાવવા માટે અને વધુ પાક ઉત્પાદન મેળવવા માટે સૂક્ષ્મ પિયત પદ્ધતિ ઉત્તમ ઉપાય છે તેમ જણાવી પાટણ જીલ્લામાં વધુમાં વધુ ખેડૂતો માઈક્રો ઈરીગેશન આવે તે દિશામાં કામ કરવા માર્ગદર્શન કર્યું હતું.
અગાઉ જીલ્લામાં અટલ ભુજલ યોજનાની જાણકારી અને લોકજાગૃતિ માટે તારીખ ૧૧/૦૨/૨૦૨૨ ના રોજ જીલ્લા પંચયત ભવન ખાતેથી અટલ જલ રથ ભ્રમણનુ જીલ્લા વિકાસ અધિકારી તેમજ પાટણ જીલ્લા પંચાયતના પ્રમુખ પાટણના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતું. તે બાબતે યાદ કરી તેમણે આગામી સમયમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત લાઈન ડિપાર્ટમેન્ટ દ્વારા વધુમાં વધુ કામ લઈ જળસંગ્રહ માટે વિશેષ પ્રયત્નો થાય તે માટે માર્ગદર્શન કર્યું હતું

આ યોજનાનો મુખ્ય ધ્યેય ભૂગર્ભ જળ વ્યવસ્થાપનના સશક્તિકરણને ઉત્તેજન આપવાનો અને ભૂગર્ભ જળ ક્ષેત્રે ગ્રામ્ય કક્ષાએ સુધારાનું વાતાવરણ સર્જન કરવાના હેતુથી આ યોજના વિશ્વ બેંકના સહયોગથી કેન્દ્ર સરકાર દ્રારા લાવવામાં આવેલ છે.
આ યોજના કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો, પંચાયતી રાજ સંસ્થાઓ, બિન સરકારી સંગઠનો, ખેડૂતો, પાણી વપરાશકાર મંડળો અને અન્ય હિસ્સેદારોને સાંકળીને સર્વગ્રાહી રીતે ભૂગર્ભ જળ વ્યવસ્થાપનના હેતુસર આયોજીત કરવામાં આવેલ છે.
આ યોજના ગુજરાત રાજ્યના ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને કચ્છ એમ કુલ-૬ જિલ્લામાં અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં પાટણ જીલ્લાના ચાર તાલુકા પાટણ, સરસ્વતી, સિધ્ધપુર અને ચાણસ્માના કુલ-૨૧૫ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે જયારે
આ યોજના વર્ષ-૨૦૨૦-૨૦૨૫ એમ પાંચ વર્ષ સુધી ચાલશે. આ યોજનાનો રાષ્ટ્રીય સ્તરે કુલ ખર્ચ રૂા.૬૦૦૦ કરોડ છે. જેમાં રૂા.૩૦૦૦ કરોડ કેન્દ્ર સરકાર તથા રૂા.૩૦૦૦ કરોડ વિશ્વ બેંક ભારત સરકારને લોન પેટે આપશે. જે પૈકી ગુજરાત રાજ્યને કુલ રૂા.૭૫૬.૭૬ કરોડ ની ફાળવણી કરવામાં આવેલ છે.
યોજનાની દેખરેખ માટે જીલ્લા કક્ષાએ પાટણ જીલ્લા કલેક્ટરની યોજનાના ચેરમેન તરીકે નિયુક્તિ થયેલ છે. અને આ યોજનાના નોડલ ઓફિસર તરીકે કાર્યપાલક ઇજનેર, પંચાયત સિંચાઇ વિભાગ, પાટણની નિયુક્તિ થયેલ છે.
આજના આ બે દિવસીય સેમિનાર માં બી.કે.જોષી,નિયામક ડી.આર.ડી.એ.ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી તથા યુનિસેફ તેમજ પ્રાઇમોવ તરફથી મેઢા જોષી, જેન્ડર એન્ડ ગવર્નન્સ એકસપર્ટ, સંજય જાધવ એગ્રીકલ્ચર એકસપર્ટ, નંદકિશોર કાચટે જીઓલોજીસ્ટ, તેજસ દેશમુખ યુનિસેફ કન્સલ્ટન્ટ, રમેશ પેટકર વોટર કન્ઝર્વેશન એકસપર્ટ, શ્રી ગજાનંદ આસ્પેટ સોશ્યલ એકસપર્ટ, એસ.પી.એમ.યું. ગાંધીનગર તરફથી મલય દવે, હાર્દિક વાછાણી તેમજ અલ્પેશ પીઠવા એકસપર્ટ હાજર રહેલ. ડી.પી.એમ.યું પાટણ તરફથી એચ.કે.શાહ કાર્યપાલક ઇજનેર એ.વી.પટેલ હાઇડ્રોલોજીસ્ટ, ચાર તાલુકાના તાલૂકા વિકાસ અધિકારી તેમજ તાલીમાર્થીઓ સહિત અન્ય સ્ટાફ હાજર રહેલ હતો…..!



