જાળેશ્વર દાદાની જળઝિલણી પાલખી યાત્રા સાથે રામ-રાવણ યુદ્ધ સાથે ભવાઈ વેશ સંપન્ન બન્યો…

પાટણ તા. ૭
પાટણ નજીક પાલડી ગામમાં આવેલા પ્રાચીન શ્રી જાળેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ભાદરવી પૂનમનો લોકમેળો યોજાયો હતો. મેળામાં પાટણ પંથકના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. મેળામાં ચગડોળ અને ખાણી પીણીની દુકાનો સહિત વિવિધ મનોરંજનના સાધનો ઉપલબ્ધ હતા.
મંદિર પરિસરમાં શનિવારે રાત્રે ૧૨ વાગ્યાથી પાટણના ઔદિચ્ય બ્રાહ્મણ સમાજ ની પરંપરાગત ભવાઈ વેશની રજૂઆત શરૂ થઈ. ચૌદશની રાતથી પૂનમની બપોર સુધી બ્રાહ્મણ કલાકારોએ જુઠણ, રંગલો અને કાળકા જેવા વિવિધ વેશ ધારણ કર્યા હતા.ભુંગળ અને પરંપરાગત વાજિંત્રોના સૂરો સાથે ભવાઈ વેશની પ્રસ્તુતિ બપોરે ૧૨ વાગ્યે રામ-રાવણના યુદ્ધ સાથે પૂર્ણ થઈ હતી. કલાકારોએ રામ, રાવણ, સીતા અને હનુમાનના પાત્રો ભજવ્યા હતાં. ત્યારબાદ જાળેશ્વર દાદાની આરતી અને પૂજા કરવામાં આવી હતી.જેમા મોટી સંખ્યામાં ભકતોએ ઉપસ્થિત રહી દશૅન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.




