

ઉ.ગુ.યુવક મંડળ સંચાલિત શેઠશ્રી એન.જી.પટેલ (એમ.એન) પ્રાથમિક શાળામાં શિક્ષકદિનની ઉજવણી એક અનોખા અને યાદગાર સ્વરૂપમાં કરવામાં આવી. જેથી વિદ્યાર્થીઓને શાળાના સંચાલન અને શિક્ષણ પ્રક્રિયાનો પ્રત્યક્ષ અનુભવ મળી શકે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં શિક્ષક પ્રત્યે આદરની ભાવના કેળવવાનો, શિક્ષણના મહત્વને સમજાવવાનો અને ભવિષ્યમાં શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે તેમને પ્રેરિત કરવાનો હતો. આ ખાસ દિવસને ઉત્સાહભેર ઉજવવા માટે શાળાના તમામ વિદ્યાર્થીઓ હાજરી આપી હતી.



શાળાના આચાર્ય વસંતભાઈ પટેલએ જણાવ્યું કે આપણા મહામહિમ શિક્ષકથી સફર ખેડીને રાષ્ટ્રપતિ પદ પર પહોંચેલા આપણા ફિલોસોફર એવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર દેશમાં ૫ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. તેમનું જીવન શિક્ષણ અને જ્ઞાન પ્રત્યેના સમર્પણનું પ્રતીક હતું. શિક્ષક દિનએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સમગ્ર સમાજ માટે વિશેષ મહત્વ ધરાવતો દિવસ છે, કારણકે તે શિક્ષકોને સારું શિક્ષણ અને મૂલ્યો આપવા બદલ તેમનું કૃતજ્ઞતાપૂર્વક સન્માન વ્યક્ત કરવાનો અવસર છે. ભારતની પરંપરામાં શિક્ષકનું સ્થાન માતા-પિતા પછી સૌથી ઊંચું માનવામાં આવે છે. શિક્ષકો માત્ર જ્ઞાન જ આપતા નથી, પરંતુ વિદ્યાર્થીઓ ના વ્યક્તિત્વ ઘડવાની, મૌલિકતા વિકસાવવા અને તેમને ઉત્તમ નાગરિક બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ કાર્યક્રમમાં ધોરણ- ૧ થી ૮ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમની શરૂઆત સ્વયં એક દિવસ બનેલા શિક્ષક મિત્રોએ પ્રાર્થના કાર્યક્રમથી લઈને શાળાના શૈક્ષણિક કાર્યની તમામ જવાબદારી પોતાને શિરે લીધી હતી. દિવસની શુભ શરૂઆત માં સરસ્વતીની પ્રાર્થના તેમજ વિવિધ કાર્યક્રમો પૂર્ણ કરી શૈક્ષણિક કાર્યની શરૂઆત કરી હતી. વિદ્યાર્થીઓએ આજે પોતાની શાળામાં પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલ, સેવક, ક્લાર્ક, શિક્ષક સહિતની તમામ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી હતી. વિધાર્થીનીઓએ સાડી પહેરીને શિક્ષણ કાર્ય કરવાનો અને શિક્ષિકા બનીને બાળકોને એટલે કે તેમના જ સહાધ્યાયીઓને ભણાવવાનો પણ અનરો આનંદ લીધો હતો.
શિક્ષકદિન પર્વની ઉજવણી શાળામાં હર્ષોઉલ્લાસથી કરવામાં આવી. આ પ્રસંગે શાળાના આચાર્ય બનેલ વિધાર્થી જય જનકકુમાર જોષી પોતાના સંબોધનમાં આજના અનુભવ અને ગુરુના મહત્વને સમજાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્યશ્રી વસંતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તથા શાળા પરિવારના તમામ સભ્યોના સાથ સહકારથી કરવામાં આવ્યું હતું.




