સફળતાનું શિખર: પી.પી.જી. હાઈસ્કૂલના 6 રત્નોએ મેળવ્યો A1 ગ્રેડ, અર્જુન ચૌહાણ 570 ગુણ સાથે શાળામાં પ્રથમ
પાટણ:
પાટણની શાન અને શિક્ષણ ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહેતી સંસ્થા નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, મુંબઈ સંચાલિત પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ અને શ્રી વી.આર.પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળાએ વર્ષ 2026ના ધોરણ 10ના પરિણામમાં પોતાની વિજયકૂચ જાળવી રાખી છે. અત્યંત ગર્વની વાત છે કે શાળાએ 91.88% પરિણામ પ્રાપ્ત કરીને સમગ્ર પાટણ જિલ્લામાં ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી દીધી છે. આ પરિણામ બોર્ડના સરેરાશ 83.86% અને પાટણ જિલ્લાના 83.27% પરિણામ કરતા ઘણું વધારે હોવાથી શાળા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
શાળાના તેજસ્વી તારલાઓએ પોતાની મહેનતથી ઝળહળતી સફળતાના શિખરો સર કર્યા છે, જેમાં કુલ 6 વિદ્યાર્થીઓએ સર્વોચ્ચ A1 ગ્રેડ અને 15 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી શાળાના શૈક્ષણિક સ્તરની ગરિમા વધારી છે. આ યશસ્વી પરિણામમાં ચૌહાણ અર્જુન જીતાભાઈએ 600 માંથી 570 ગુણ (99.20 PR) સાથે શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી અદભૂત સિદ્ધિ હાંસલ કરી છે. આ ઉપરાંત પ્રજાપતિ ધરતી (566 ગુણ), ઠાકોર મૌલિક (565 ગુણ), ચૌધરી હેત (557 ગુણ), પટેલ વૃંદ (549 ગુણ) અને જોષી શ્રધ્ધાબેન (543 ગુણ) એ પણ A1 ગ્રેડ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે.
આ પ્રસંગે NGES કેમ્પસના કેમ્પસ ડેવલપમેન્ટ ઓફિસર ડૉ. જય ધ્રુવ સર તથા ઈ. આચાર્ય ડૉ. ઝેડ.એન. સોઢાએ તમામ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, અમારી શાળા માત્ર શિક્ષણ જ નહીં પરંતુ ઈતર પ્રવૃત્તિઓમાં પણ હંમેશા મોખરે રહી છે. આ ભવ્ય સફળતા એ વિદ્યાર્થીઓની અથાગ મહેનત અને માર્ગદર્શક શિક્ષકગણની અતૂટ ટીમવર્કનું પરિણામ છે. સમગ્ર શાળા પરિવારે આ ઐતિહાસિક સફળતાને હર્ષોલ્લાસ સાથે વધાવી લીધી છે.




