જુના માકા અને માંડવી ગામે ચાલતી ગેરકાયદેસર હાટડીઓ બંધ: સંજય વ્યાસ અને નરેશ વાઘેલા વિરુદ્ધ BNS હેઠળ ગુનો દાખલ
પાટણ: જીલ્લામાં સામાન્ય જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ડોક્ટરો સામે પાટણ પોલીસે લાલ આંખ કરી છે. બનાસકાંઠા રેન્જ આઇ.જી. પરીક્ષિતા રાઠોડ તથા પાટણ પોલીસ અધિક્ષક વી.કે.નાયીની કડક સૂચના અને એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી.સોલંકીના માર્ગદર્શન હેઠળ પાટણ એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ની ટીમે બાતમીના આધારે હારીજ અને સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે. આ નકલી ડોક્ટરો પાસે કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી કે લાયસન્સ ન હોવા છતાં ગેરકાયદેસર રીતે પ્રેક્ટિસ કરી રહ્યા હતા.
ચામુંડા માતાજી મંદિર પાસે ચાલતી હતી નકલી ક્લિનિક
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે હારીજ પોલીસ સ્ટેશન હેઠળના જુના માકા ગામે ચામુંડા માતાજી મંદિર પાસે આવેલી એક દુકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વિના એલોપેથિક પ્રેક્ટિસ કરતા સંજયકુમાર હરીશંકર વ્યાસ (ઉં.વ. ૩૦, રહે. મકાન નં-૨૧, બાલાજી વિલા, નિર્મલનગર પાસે, પાટણ) ને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની દુકાનમાંથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શનો અને મેડિકલ સાધનો સહિત કુલ રૂ. ૯,૫૨૬.૧૪/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સમીના માંડવી ગામેથી બીજો બોગસ ડોક્ટર ઝડપાયો
જ્યારે બીજા ઓપરેશનમાં સમી પોલીસ સ્ટેશન વિસ્તારના માંડવી ગામે દૂધ ડેરીની પાછળ રાવળવાસમાં દરોડો પાડીને નરેશકુમાર જયંતીજી વાઘેલા (મૂળ રહે. ઉંદરીયાવાસ, શિહોરી, તા. કાંકરેજ, જિ. બનાસકાંઠા, હાલ રહે. માંડવી, તા. સમી) નામના બોગસ ડોક્ટરને ઝડપી લેવાયો હતો. તેની પાસેથી પણ ગેરકાયદેસર રાખેલી દવાઓ અને મેડિકલ સાધનો મળી કુલ રૂ. ૨૬,૩૭૫/- નો મુદ્દામાલ પોલીસ કબ્જે કર્યો છે.
ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ
પોલીસે બંને બોગસ ડોક્ટરો પાસેથી કુલ રૂ. ૩૫,૯૦૧.૧૪/- નો મેડિકલ મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ બંને ઇસમો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS-2023) ની કલમ-૩૧૯(૨) તથા મેડિકલ પ્રેક્ટિસનર એક્ટની કલમ-૩૦ મુજબ હારીજ અને સમી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સફળ કામગીરીમાં જે.જી.સોલંકી – પોલીસ ઇન્સ્પેક્ટર, એસ.ઓ.જી., પાટણ, ડી.કે.ચૌધરી – પોલીસ સબ ઇન્સ્પેક્ટર(પો.સ.ઇ.), એસ.ઓ.જી., એ.પી.ઠાકોર – પોલીસ સબ ઇન્સ્પેક્ટર (પો.સ.ઇ.), એસ.ઓ.જી., રણજીતસિંહ જગતસિંહ – આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (એ.એસ.આઇ.), શૈલેષકુમાર રામજીભાઇ – આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (એ.એસ.આઇ.), નરેન્દ્રસિંહ વાઘાજી – આર્મડ હેડ કોન્સ્ટેબલ (અ.હેડ.કો), રણજીતસિંહ વીરાજી – આર્મડ હેડ કોન્સ્ટેબલ (અ.હેડ.કો), પ્રવિણદાન લક્ષ્મણદાન – આર્મડ હેડ કોન્સ્ટેબલ (અ.હેડ.કો), ભરતજી હમીરજી – આર્મડ પોલીસ કોન્સ્ટેબલ (અ.પો.કો), દિનેશભાઇ રત્નાભાઇ – આર્મડ પોલીસ કોન્સ્ટેબલ (અ.પો.કો.) સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.




