કુલ 55 નમૂનાઓ લેવામાં આવ્યા : રૂ. 90,880 નો માલ સીઝ કરાયો…


પાટણ તા. 7
દિવાળી પર્વ દરમિયાન નગરજનોને શુદ્ધ, સુરક્ષિત અને ભેળસેળમુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાટણ દ્વારા વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું.
આ તપાસ દરમિયાન વિવિધ ખાદ્ય પદાર્થોના કુલ 55 નમૂનાઓ લેવામાં આવ્યા, જેમાંથી 24 ઘી અને 31 દૂધ તથા દૂધ ઉત્પાદનોના નમૂનાઓનો સમાવેશ થાય છે.
મંગળવારે તપાસ દરમ્યાન કું.એલ એન ફોફ તથા કું. પી. આર. ચૌધરી દ્વારા સંયુક્ત કામગીરી કરી “ઉમિયા ડેરી એન્ડ માવા સેન્ટર, રબારીવાસ”, અજીમાણા, તાલુકો સારસ્વતી, પાટણ ખાતે આવેલ પેઢી માંથી શંકાસ્પદ માવા નો કુલ 568 કિલો, જેની અંદાજિત કિંમત રૂ. 90,880, ના પૃથ્થકરણ માટે નમૂના લઈ વધારાના જથ્થા ને સીઝ કરવામાં આવ્યો છે.
આ નમૂનાઓને સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને લેબોરેટરી રિપોર્ટ મળ્યા બાદ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ, 2006 મુજબ જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ કાર્યવાહીનો હેતુ દિવાળી પર્વ દરમિયાન નાગરિકોને શુદ્ધ, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે સુનિશ્ચિત કરવાનો રહેલ હોવાનું તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..



