પાટણ નગરપાલિકાની વાહન શાખા વિવાદમાં નિયમો નેવે મૂકી સ્કાય લિફ્ટ ભાડે આપી દીધી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ.

પાટણ શહેર ​કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલ અને પાટણ નગર પાલિકા સદસ્યની ઉગ્ર માંગ.

સરકારી સાધનો ખાનગી વ્યક્તિ કે સંસ્થાને ભાડે આપી દેવામાં આવ્યા હોવાનો સનસનાટીભર્યો ખુલાસો.

​પાટણ નગરપાલિકાની વાહન શાખા ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. પાટણ નગરપાલિકાના નિયમોને નેવે મૂકીને સરકારી સાધનો ખાનગી વ્યક્તિ કે સંસ્થાને ભાડે આપી દેવામાં આવ્યા હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. પાટણ નગરપાલિકા પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલ અને નગરપાલિકાના સદસ્ય દ્વારા આ મામલે વાહન શાખાના કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને પાટણ નગરપાલિકા ચીફ ઓફિસર પાસે તાત્કાલિક તપાસની માંગ કરવામાં આવી છે. ​મળતી માહિતી મુજબ, ગત તારીખ 3 જૂન 2026 ના રોજ પાટણ નગરપાલિકાની વાહન શાખા હસ્તકની ‘સ્કાય લિફ્ટ’ ગાડી કોઈ કામ અર્થે ભાડે લઈ જવામાં આવી હતી. પાટણ નગરપાલિકાના નિયમ મુજબ, વાહન શાખાનું કોઈપણ સાધન જ્યારે ભાડે આપવાનું હોય, ત્યારે સૌથી પહેલા પાટણ નગરપાલિકામાં તેની નિયત ડિપોઝિટની રકમ જમા કરાવવી ફરજિયાત હોય છે.
​પરંતુ, આ કિસ્સામાં સ્કાય લિફ્ટ પાટણ નગરપાલિકાના પરિસરમાંથી બહાર નીકળી, પોતાનું કામકાજ પતાવીને પરત આવી ગઈ ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ડિપોઝિટ કે ભાડાની રકમ જમા કરાવવામાં આવી ના હતી. એટલું જ નહીં, કામ પૂરું થયાના ત્રણ દિવસ સુધી પણ આ પેમેન્ટ પાટણ નગરપાલિકાની તિજોરીમાં ભરાયું ના હતું.
​આ સમગ્ર મામલે ગઈકાલે જ્યારે વિપક્ષ દ્વારા પૂછપરછ કરવામાં આવી અને આજે સવારે આ આખી ઘટનાના સમાચાર વાયરલ થયા, ત્યારે જાગેલા તંત્રએ ઉતાવળે આજે ભાડાની રકમ પેટે પેમેન્ટ ભરાવીને પોતાની ચામડી બચાવવાનો પ્રયાસ કર્યો છે. જો સમાચાર બહાર ના આવ્યા હોત, તો શું આ રકમ પાટણ નગરપાલિકા ના ચોપડે જમા થઈ હોત?
​આ બાબતે પાટણ નગરપાલિકા કોર્પોરેટર અને પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલ અને પાટણ નગરપાલિકાના સદસ્યએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે આ પાટણ નગરપાલિકાના વાહન શાખાના કર્મચારીઓની સીધેસીધી અને ગંભીર બેદરકારી છે. નિયમોનું ઉલ્લંઘન કરીને કોના ઈશારે ડિપોઝિટ વગર સરકારી વાહન મોકલી દેવાયું? આ બાબતને લઈ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તાત્કાલિક ધોરણે તટસ્થ તપાસ થવી જોઈએ અને બેદરકારી દાખવનાર જવાબદાર કર્મચારી સામે કડક શિક્ષણાત્મક પગલાં ભરવામાં આવે તેવી તેઓએ માંગણી કરી હતી.”

​હવે જોવાનું એ રહેશે કે પાટણ નગર પાલિકાના ચીફ ઓફિસર આ સરકારી મિલકતના દુરુપયોગ અને નિયમોના ઉલ્લંઘન મામલે પાટણ નગરપાલિકાના કર્મચારીઓ સામે કોઈ કડક પગલાં ભરે છે કે પછી હંમેશાની જેમ આ મામલા પર પણ પડદો પાડી દેવામાં આવે છે………!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here