પાટણ, તા.૨૦
પાટણ ની કે.કે.ગર્લ્સ વિદ્યાલય ની શુભેચ્છા મુલાકાતે શનિવારે જૈન શ્રેષ્ઠી તનીલભાઈ રામદાસભાઈ કીલાચંદે પધારી શાળાની શૈક્ષણિક અને સામાજિક પ્રવૃતિઓ નિહાળી અભિભૂત બન્યાં હતા.


પાટણ ની શ્રીમતી કેસરબાઈ કીલાચંદ સરકારી કન્યા વિદ્યાલય, પાટણના પરિસરમાં શેઠ કીલાચંદ દેવચંદ પરિવારના મોભી અને પોલીકેમ લિમિટેડ, મુંબઈના ચેરમેન-એમ.ડી. શેઠ તનીલભાઈ રામદાસ કીલાચંદે માતૃસંસ્થાની મુલાકાત લઈ જુના સંસ્મરણો ને યાદ કરી આ સંસ્થા ૮ માર્ચ, ૧૯૬૦ના રોજ તેમના પરિવાર દ્વારા દોઢ લાખના ખર્ચે નિર્માણ કરાવી, કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા મુંબઈના તત્કાલીન રાજ્યપાલ પ્રકાશજીની ઉપસ્થિતિમાં પાટણના પ્રબુદ્ધ નાગરિકોની હાજરીમાં પાટણ નગરને અર્પણ કરવામાં આવી હોવાનું જણાવી આજે આ વિદ્યાલય કન્યા કેળવણીના ક્ષેત્રે ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે પ્રસિદ્ધ બની છે તેનું ગૌરવ લીધું હતું.
શેઠ તનીલભાઈએ શાળા પરિસરની મુલાકાત દરમિયાન દીકરીઓના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ચાલતી પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ અપાર રાજીપો વ્યક્ત કર્યો. તેમણે શાળાની બ્યુટી એન્ડ વેલનેસ, હેલ્થ એન્ડ કેર જેવી વ્યવસાયલક્ષી પ્રવૃત્તિઓની પ્રશંસા કરી અને દીકરીઓની જરૂરિયાતો માટે સંપૂર્ણ સહયોગનો મક્કમ વિશ્વાસ આપ્યો હતો.
આ પ્રસંગે શાળાના આચાર્ય ડો.દિનેશભાઈ પ્રજાપતિના નેતૃત્વ હેઠળ શહેરના પ્રબુદ્ધ નાગરિકોને આમંત્રણ આપી, દીકરી
ઓને મોટિવેશનલ સ્પીચ અને જીવનના અનુભવો દ્વારા આત્મનિર્ભરતાના પાઠ શીખવવાના સ્તુત્ય પ્રયાસોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ડો. અરવિંદભાઈ સ્વામી (નિવૃત્ત પ્રાધ્યાપક, સાયન્સ કોલેજ, પાટણ), અશોકભાઈ વ્યાસ (સાહિત્યકાર, પાટણ), હીનાબેન શાહ (ઉપ પ્રમુખ, પા.ન.પા.),કિરીટભાઈ ખમાર (મહાગુજરાત)અને કમલેશભાઈ સ્વામી (ભૂતપૂર્વ શિક્ષક) ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે અશોકભાઈ વ્યાસે શેઠ કીલાચંદ દેવચંદ પરિવારનો આભાર માન્યો અને દીકરીઓને વધુ અભ્યાસ મેળવી શાળાનું ગૌરવ વધારવા આશીર્વાદ આપ્યા.તેમજ ગત વર્ષે વિવિધ વિષયોમાં વિશેષ ગુણ મેળવનાર વિદ્યાર્થિનીઓને ઇનામી રકમનું રોકડ કવર આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
કાર્યક્રમનું સંચાલન શ્રીમતી કમલાબેન જેઠવાણી અને શ્રીમતી નમ્રતાબેન ઠક્કરે કર્યું હતું તો શાળા પરિવારના વહીવટી વિભાગ અને સમગ્ર શિક્ષકોના સહયોગથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.




