મહેસાણા:
મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રસ્તા પરથી મળી આવેલી રોકડ રકમ અને ચાંદીના દાગીના સહિત કુલ ૧,૧૮,૮૫૦ રૂપિયાની મત્તા પોલીસ દ્વારા તેના મૂળ માલિકને પરત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ તા. ૧૯/૦૭/૨૦૨૬ના રોજ વિસનગરથી મહેસાણા તરફ આવતી વખતે બાસણા ગામ નજીકથી એક પ્લાસ્ટિકની બેગ મળી આવી હતી, જેમાં રોકડ અને ચાંદીના દાગીના હતા. આ અંગે મહેસાણા, બામોસણાનગરના રહેવાસી આહીર સીતારામ રામચંદ્રજીએ પોલીસનો સંપર્ક કર્યો હતો.
આ અંગે પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી આર.એલ. પારગીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની એક વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. ટીમે તપાસ હાથ ધરીને બેગના અસલી માલિકને શોધી કાઢ્યા હતા. જેમના તપાસ દરમિયાન મહેસાણાના લાખવડી ભાગોળમાં રહેતા દેવીપૂજક જૈમીનભાઈ બળદેવભાઈ હોવાનું સામે આવ્યું હતું. તેઓ પોતાની પત્ની સાથે મોટરસાયકલ પર મુસાફરી કરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમની બેગ પડી ગઈ હતી.
પોલીસે તમામ ચીજવસ્તુઓની ખરાઈ કરી હતી, જેમાં રૂ. ૩૬,૬૦૦ રોકડા, રૂ. ૭૦,૫૦૦ના ચાંદીના દાગીના અને અન્ય સામાન મળી કુલ ૧,૧૮,૮૫૦ રૂપિયાની મત્તા મૂળ માલિકને સોંપી હતી. આ સફળ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટર આર.એલ. પારગી અને સર્વેલન્સ સ્ટાફના પો.સબ.ઇન્સ. જે.આર. જાડેજા, એ.એસ.આઈ. કૌશિકભાઈ વિરસંગભાઈ, અ.હે.કો. જયદીપકુમાર પ્રભુદાસ, અ.પો.કો. સંકેતકુમાર દિનેશભાઈ, અ.પો.કો. કલ્પેશકુમાર કેશવલાલ, અ.પો.કો. તરૂણકુમાર કાનજીભાઈ, અ.પો.કો. ચેતનકુમાર વેલજીભાઈ, આ.પો.કો. મનિષકુમાર બાબુભાઈ, આ.પો.કો. કંદર્પકુમાર કિર્તિભાઈ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રશંસનીય કામગીરી બજાવી હતી પોલીસની આ કામગીરીને પગલે સ્થાનિકોમાં પોલીસ પ્રત્યે સન્માનની લાગણી જોવા મળી હતી.




