પટણી વિકાસની રાજ્યકક્ષાની રૂરલ આઈ.ટી. ક્વિઝમાં જવા માટે પસંદગી
પટણી વિકાસની આ સિદ્ધિએ શેઠ એમ એન હાઇસ્કુલ તેમજ પાટણનું ગૌરવ વધાર્યું
ગુજરાત કાઉન્સિલ ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા વિજ્ઞાન-પ્રચાર અને ટેકનોલોજી પ્રસાર-પ્રચારને પ્રોત્સાહન આપવા દર વર્ષે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. તે અંતર્ગત જિલ્લાકક્ષાની રુરલ આઈ.ટી. ક્વિઝ લોક વિજ્ઞાન કેન્દ્ર, આદર્શ વિદ્યાલય પાટણ ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધાનો હેતુ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન, ટેક્નોલોજી અને માહિતીપ્રદ ક્ષેત્ર પ્રત્યે રુચિ વિકસાવવાનો તેમજ સંશોધનાત્મક અભિગમ વિકસાવવા માટે પ્રેરણા પૂરી પાડવાનો છે.
જિલ્લામાં યોજાયેલી આ રૂરલ આઈ.ટી. ક્વિઝ સ્પર્ધામાં પાટણ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી અનેક શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધાની શરૂઆતમાં અંગ્રેજીમાં લેખિત MCQ ટેસ્ટ લેવાયો હતો, ત્યારબાદ પસંદગી થયેલા વિદ્યાર્થીઓ વચ્ચે અંગ્રેજીમાં જ ક્વિઝ યોજાઈ હતી.
આ સ્પર્ધામાં શેઠ એમ. એન. હાઇસ્કૂલ, પાટણના ધોરણ 11ના વિદ્યાર્થી પટણી વિકાસે શ્રેષ્ઠ પ્રદર્શન કરી વિજેતા બનવાનું ગૌરવ મેળવ્યું છે. હવે તે રાજ્યકક્ષાની આઈ.ટી. ક્વિઝ સ્પર્ધામાં જિલ્લામાંથી રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા માટેની ટીમ પસંદ થઈ છે તે ટીમ માં પસંદગી પામ્યો છે.
શેઠ એમ. એન. હાઇસ્કૂલ પાટણના વિદ્યાર્થી પટણી વિકાસની આ સિદ્ધિ માત્ર શાળાને જ નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં ગૌરવ અનુભવાવે તેવી છે.
ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ ડૉ. જે .કે. પટેલ, મંડળના મંત્રી મનસુખભાઈ પટેલ, શાળાના ઉત્સાહી આચાર્ય ડૉ. ધનરાજ ભાઈ ઠક્કર તથા
શાળા પરિવાર દ્વારા પટણી વિકાસને અભિનંદન આપી રાજ્યકક્ષાની આગામી સ્પર્ધા માટે શુભકામનાઓ પાઠવી હતી.



