સિદ્ધપુર:
પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને અનુલક્ષીને પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત સિદ્ધપુર હાઈવે પરથી પોલીસે શંકાસ્પદ ઘીના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. સિદ્ધપુર પોલીસની ટીમે બાતમીના આધારે ગોકુલ યુનિવર્સિટી સામે નાકાબંધી કરી એક અશોક લેલન ‘બડા દોસ્ત’ ગાડીને અટકાવી હતી.
પોલીસે જ્યારે ગાડીની તલાશ લીધી ત્યારે તેમાંથી માર્કા વગરના લોખંડના પતરાના ડબ્બા મળી આવ્યા હતા. ગાડીમાં સવાર વિજયભાઈ અમૃતલાલ ઠાકોર (ઉ.વ. ૨૬) અને સચીન દિવાનજી ઠાકોર (ઉ.વ. ૨૭), બંને રહે. નરોડા, અમદાવાદ, ઘીના આ જથ્થા બાબતે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. આથી પોલીસે ૧૫ કિલોગ્રામના ૩૦૮ ડબ્બા (કિંમત રૂ. ૭,૭૦,૦૦૦) અને રૂ. ૫ લાખની ગાડી મળી કુલ રૂ. ૧૨,૭૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ સમગ્ર કામગીરી સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પાટણ એસપી વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ સિદ્ધપુર પીઆઈ એમ.કે. ઝાલા તથા પીએસઆઈ જે.આર. શુક્લા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. હાલમાં પોલીસે શંકાસ્પદ ઘીના ડબ્બા તપાસ માટે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.



