પાટણ વણકર સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટના હોદ્દેદારોએ સમાજ ભવન અને લાયબ્રેરી બાંધકામ કામગીરીની લીધી મુલાકાત

વિદ્યાર્થીઓના શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે બની રહ્યું છે આધુનિક સમાજ ભવન; દાન આપવા સમાજજનોને કરાઇ અપીલ

પાટણ : વણકર સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ પાટણના પ્રમુખ ડૉ. અનિલભાઈ પી. પરમાર, મહામંત્રી મુકેશભાઈ યુ. પરમાર, ખજાનચી રમેશભાઈ ડી. જાદવ તેમજ કારોબારી સભ્યો રસિકભાઈ સી. જાદવ અને રેવાભાઈ કે. પરમાર (આર.કે. પરમાર)એ પદ્મનાભ મંદિર સામે નિર્માણાધીન વણકર સમાજ ભવન અને લાયબ્રેરીની મુલાકાત લઈ ચાલી રહેલા બાંધકામનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું.

આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ ડૉ. અનિલભાઈ પી. પરમારે જણાવ્યું હતું કે સમાજ ભવનનું બે માળનું આર.સી.સી. બાંધકામ પૂર્ણ થઈ ગયું છે અને હાલમાં ચણતર, ફ્લોરિંગ, પ્લમ્બિંગ તથા પાઇપ ફિટિંગ સહિતની કામગીરી ઝડપભેર ચાલી રહી છે. ટ્રસ્ટનું મુખ્ય લક્ષ્ય સમાજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને અભ્યાસ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અને શિક્ષણ માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું છે.
તેમણે જણાવ્યું હતું કે આ સમાજ ભવનમાં લાયબ્રેરી, કોમ્પ્યુટર સુવિધા, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જરૂરી પુસ્તકો તેમજ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ તાલીમની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી સમાજના યુવક-યુવતીઓ ક્લાસ-૧ થી ક્લાસ-૩ સુધીની સરકારી ભરતીની પરીક્ષાઓ માટે યોગ્ય તૈયારી કરી સફળતા પ્રાપ્ત કરી શકે.
સમાજ ભવનમાં અંદાજે ૬૦ x ૫૩ ફૂટનો વિશાળ હોલ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં આશરે ૨૫૦ જેટલા લોકો બેઠક, તાલીમ કાર્યક્રમો તથા સામાજિક પ્રસંગો યોજી શકશે. બીજા માળે છ એસી રૂમો, વિશાળ પેસેજ તથા જરૂરી શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. બહારગામથી આવતા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
ડૉ. અનિલભાઈ પી. પરમારે જણાવ્યું હતું કે આ સમાજ ભવન કોઈ વ્યક્તિગત હેતુ માટે નહીં પરંતુ વણકર સમાજના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે બની રહ્યું છે. સમાજના ૧૩૫ ગામોના સમાજજનો, દાતાશ્રીઓ અને આગેવાનો તરફથી મળતો સહયોગ ઉત્સાહજનક છે. આગામી દિવાળી પહેલાં ઓછામાં ઓછા બે માળ સંપૂર્ણ તૈયાર કરવાનો ટ્રસ્ટનો સંકલ્પ છે.
તેમણે સમાજના તમામ દાતાઓ, શુભેચ્છકો અને સેવાભાવી નાગરિકોને વિનંતી કરતાં જણાવ્યું કે કોઈપણ મતભેદોને બાજુએ રાખી શિક્ષણના આ પવિત્ર કાર્યમાં યથાશક્તિ દાન આપી સહભાગી બને. આ સંસ્થાને આપવામાં આવતું દાન આવકવેરા કાયદા હેઠળ કરમુક્તિના લાભ માટે પણ પાત્ર છે.
વણકર સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા સમાજ ભવન અને લાયબ્રેરીના નિર્માણ માટે સમાજજનોને ઉદાર હાથે દાન આપવા અપીલ કરવામાં આવી છે. દાન ફાળો આપવા અથવા વધુ માહિતી માટે સંપર્ક નંબર 9723719773 પર સંપર્ક કરવા અથવા ટ્રસ્ટના હોદ્દેદારો તથા કારોબારી સભ્યોનો સંપર્ક કરવા જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here