પાટણના ‘શ્રી શ્રીહરિ સેવા પરિવાર’ દ્વારા હરિદ્વાર તીર્થમાં શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન: ૧૨૫થી વધુ ભાવિકો લીધો કથા શ્રવણનો લહાવો

પાટણના અગ્રેસર ધાર્મિક સંગઠન ‘શ્રી શ્રીહરિ સેવા પરિવાર’ દ્વારા પુણ્ય સલિલા ગંગાજીના કિનારે આવેલા હરિદ્વાર તીર્થક્ષેત્રમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર પુરુષોત્તમ માસના પાવન અવસરે હરિદ્વાર સ્થિત મુલતાન ભુવનના સુવિધાયુક્ત એસી હોલમાં આ આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છે કે, સંસ્થા દ્વારા દર વર્ષે ભાગવત સપ્તાહનું સુંદર આયોજન કરવામાં આવે છે, અને આ વર્ષે આ જ્ઞાનયાત્રાનું ૧૮મું વર્ષ છે.આ ભક્તિમય મહોત્સવમાં ભાગ લેવા માટે પાટણ, અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર અને આણંદથી અંદાજે ૧૨૫ જેટલા કથા યાત્રિકો ગત તારીખ ૨૫ મે ૨૦૨૬ના રોજ ટ્રેનની સુખદ મુસાફરી કરીને હરિદ્વાર પધાર્યા છે. તમામ યાત્રિકો માટે મુલતાન ભવન તથા આસપાસના આશ્રમોમાં આવાસ અને ભોજનની ઉત્કૃષ્ટ વ્યવસ્થા કરવામાં આવી છે.

ભવ્ય પોથીયાત્રા અને કથા પ્રારંભ

ગત તારીખ ૨૭ મે ૨૦૨૬, બુધવારના રોજ સાયંકાળે હરિદ્વારના રાજમાર્ગો પર ભગવાન ભાગવતજીની ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. રમણીય વાતાવરણમાં બેન્ડવાજાના સૂર, કીર્તન અને ગરબા-નૃત્ય સાથે ભાવિકોએ પોતાનો ભક્તિભાવ પ્રગટ કર્યો હતો. આ પોથીયાત્રામાં કથાના મુખ્ય વક્તા પૂજ્ય શ્રી દિલીપભાઈ આચાર્ય (ભાઈશ્રી) પણ જોડાયા હતા.

દિવસવાર કથાના વિવિધ પ્રસંગોની ઝાંખી

  • પ્રથમ દિવસ: પૂજ્ય ભાઈશ્રીએ પોતાની વિદ્વતાસભર વાણીથી ભાગવતજીનું માહાત્મ્ય સમજાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
  • દ્વિતીય દિવસ: નારદજી દ્વારા ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને પુષ્ટ કરવાની કથા તેમજ પ્રેત બનેલા ધુધુકારીનો ગોકર્ણજી દ્વારા ભાગવતજીના માધ્યમથી મોક્ષ પ્રાપ્તિનો રોચક પ્રસંગ પ્રસ્તુત કરાયો હતો.
  • તૃતીય દિવસ: વ્યાસ ચરિત્ર, નારદ ચરિત્ર અને મહાભારતના ઉત્તરાર્ધની માર્મિક ચર્ચાઓ સાથે શ્રોતાઓ ભાવવિભોર બન્યા હતા.
  • ચતુર્થ દિવસ: ચોથા દિવસે બે સત્રમાં કથા યોજાઈ હતી, જેમાં વામન અવતાર, નૃસિંહ અવતાર તેમજ રામ જન્મોત્સવ બાદ સાયં સત્રમાં ધામધૂમથી નંદ મહોત્સવ (કૃષ્ણ જન્મોત્સવ) ઉજવાયો હતો.

આગામી મનોરથો અને પૂર્ણાહુતિ

આજે તારીખ ૩૧ મે ૨૦૨૬, પાંચમા દિવસે કથા મંડપમાં શ્રી ગિરિરાજ પૂજન અને અન્નકૂટ મનોરથનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આગામી દિવસના સાયં સત્રમાં રૂક્ષ્મણી વિવાહનો દિવ્ય પ્રસંગ ઉજવાશે.
આ જ્ઞાનયજ્ઞનો વિરામ તારીખ ૨ જૂન ૨૦૨૬ના રોજ થશે, અને તમામ યાત્રિકો તારીખ ૩ જૂનની પરોઢિયે ટ્રેન માર્ગે સ્વગૃહે પરત ફરશે.

ડિજિટલ માધ્યમથી વૈશ્વિક પ્રસારણ

કથા દરમિયાન સંગીતકારોની ટીમ પોતાની સુરાવલીઓથી વાતાવરણને આહલાદક અને ભક્તિમય બનાવી રહી છે. આ ધાર્મિક મહોત્સવમાં દેશ-વિદેશમાં વસતા ભક્તો પણ જોડાઈ શકે તે માટે સમગ્ર ભાગવત સપ્તાહનું યુટ્યુબ (YouTube) પર લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. આ ભગીરથ આયોજનને સફળ બનાવવા માટે યાત્રિકો તરફથી તેમજ બહારથી પણ ઉદાર હાથે સખાવતો પ્રાપ્ત થઈ રહી છે. તમામ શ્રદ્ધાળુઓ કથા શ્રવણ સાથે હરિદ્વાર તીર્થ ભ્રમણનો અલૌકિક આનંદ માણી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here