પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 200થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ઉત્સાહભેર ભાગ લીધો. આ અવસરે સાયન્સ સેન્ટરના નિષ્ણાત ગાઈડ દ્વારા વર્તમાન પર્યાવરણીય ચિંતાઓ અને જંગલોના મહત્વ પર પ્રકાશ નાખવામાં આવ્યો. તેમણે વિશ્વ વન દિવસની ઊજવણી પાછળનો હેતુ સમજાવતા જણાવ્યું કે દર વર્ષે 21 માર્ચે આ દિવસ મનાવવામાં આવે છે, જે જંગલોના સંરક્ષણ અને પર્યાવરણ પરના તેના પ્રભાવ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરે છે. વિદ્યાર્થીઓને જંગલોના મહત્ત્વ વિશે માહિતી આપવામાં આવી, જેમાં ઓક્સિજન ઉત્પાદન, આબોહવા નિયંત્રણ, જૈવવિવિધતા, માટી સંરક્ષણ અને માનવ જરૂરિયાત માટેની સંસાધનો ઉપલબ્ધ કરાવવાની તેની ભૂમિકા અંગે સમજાવાયું. ઉપરાંત, જંગલોના વિનાશના મુખ્ય કારણો જેમ કે કૃષિ વિસ્તાર, લોગિંગ, શહેરીકરણ, માળખાગત સુવિધાઓ, ખાણકામ અને કુદરતી આપત્તિઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. તેને અટકાવવા માટેના ઉપાયો પર પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ સાથે, વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ નિમિત્તે સહભાગીઓને ડાઉન સિન્ડ્રોમ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. જેમાં ડાઉન સિન્ડ્રોમના લક્ષણો અને તેના નિવારણ માટે શક્ય ઉપાયો અંગે સમજણ આપવામાં આવી હતી.
અંતે, વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓએ સાયન્સ સેન્ટર ખાતે વૃક્ષો વાવી, પર્યાવરણ સંરક્ષણ માટેની તેમની જવાબદારી વ્યક્ત કરી. આ વૃક્ષારોપણ દ્વારા યુવા પેઢીએ વિશ્વ વન સંરક્ષણ પ્રત્યે તેમની જાગૃતિ દર્શાવી હતી.
વિશ્વ વન દિવસ અને ડાઉન સિન્ડ્રોમ દિવસ બંને પ્રકૃતિ અને માનવ કલ્યાણ માટે મહત્વપૂર્ણ છે. આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં જાગૃતિ લાવી શકાય છે અને વધુ લોકોને સંવેદનશીલ બનાવી શકાય છે.



